ગાંધીનગર : સ્કૂલોમાં વાર્ષિક પરિક્ષાઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે અને વેકેશનમાં એડમિશન સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે પ્રાઇવેટ સ્કૂલો દ્વારા આ વખતે ફી વધારો કરી દેવામાં આવ્યો છે જેનો વિરોધ કરવાની સાથે વિધાનસભાનો ઘેરાવો કરવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરો પહોંચ્યા હતા.જે દરમિયાન પોલીસ સાથે ઝપાઝપી થઇ હતી જો કે, પોલીસે આપના ૧૭ જેટલા કાર્યકર-આગેવાનોની ધરપકડ કરી દીધી છે.કોરોના અને યુધ્ધની સ્થિતિને પગલે સમગ્ર દેશમાં મોંઘવારીની માયા જાળ પથરાઇ ગઇ છે.આ મોંઘવારીમાં મધ્યમ અને ગરીબ વર્ગ સતત પીસાતો જાય છે આવી સ્થિતિમાં ઘરનું ગુજરાન ચલાવવું ખુબ જ મુશ્કેલ પડી રહ્યું છે તેમ છતા ખાનગી સ્કૂલ સંચાલકોએ આ વર્ષે ફી વધારી દિધી છે જેનો વાલી મંડળ દ્વારા તો વિરોધ કરવામાં આવી રહ્યો છે સાથે સાથે આમ આદમી પાર્ટી પણ જિલ્લાકક્ષાએ કલેક્ટરને આવેદનપત્ર આપી વિરોધ કરી રહ્યા છે.ગાંધીનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને પ્રાઇવેટ સ્કૂલ દ્વારા કરવામાં આવતા ફી વધારો પાછો ખેંચવા રજુઆત કરવામાં આવી છે.આ ઉપરાંત સ્કૂલોમાં જે રીતે ડોનેશન લેવામાં આવે છે તે ગેરકાયદે પ્રવૃત્તિ પણ બંધ કરવા માટે સુચન કરવામાં આવ્યું છે.એટલુ જ નહીં, ઘણી સ્કૂલો દ્વારા યુનિફોર્મ, નોટબુક, પુસ્તકો સહિતની વિવિધ સ્ટેશનરી કોઇ એક ચોક્કસ દુકાનેથી જ ખરીદવા માટે વાલીઓને દબાણ કરવામાં આવે છે ત્યારે સ્કૂલોની આ મનમાની પણ બંધ કરવા આમ આદમી પાર્ટીએ આવેદન પત્ર આપ્યું છે.ઉપરાંત ફી નિયમન કમિટીમાં વાલીઓનો સમાવેશ કરવા માટે પણ રજુઆત કરવામાં આવી છે.આ ઉપરાંત જો આગામી સત્ર સુધીમાં યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે તોલોકશાહી ઢબે વિરોધ પ્રદર્શન કરવાનું ચાલુ રાખવામાં આવશે તેવી ચિમકી પણ ઉચ્ચારવામાં આવી છે.ત્યારે આજે વિધાનસભાનો ઘેરાવો કરવા જતા આપના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું અને પોલીસે ૧૭ જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.

