– વાલીઓને જાણ થાય તે માટે ડીઈઓનો આદેશ
અમદાવાદ : ફી રેગ્યુલેશન કમિટી દ્વારા સ્કૂલોની ફી માટેનું નવુ નિર્ધારણ શરૂ કરી દેવામા આવ્યુ છે ત્યારે અમદાવાદ ડીઈઓ દ્વારા તમામ સ્કૂલોને નક્કી થનારી નવી ફી ફરજીયાતપણે નોટિસ બોર્ડ પર લગાવવા હુકમ કરવામા આવ્યો છે.
ગુજરાત સરકારના ખાનગી સ્કૂલ ફી નિર્ધાર એક્ટ અંતર્ગત કોરોનાને પગલે ગત વર્ષે નવી ફી નક્કી કરાઈ ન હતી ત્યારે બે વર્ષે ફી નિર્ધારણ પ્રક્રિયા ફી કમિટીઓ દ્વારા શરૂ કરવામા આવી છે.રાજ્યની જુદા જુદા ચાર ઝોનની કમિટીમાંથી અમદાવાદ ઝોનની ફી કમિટી દ્વારા હાલ શહેર અને ગ્રામ્યની ખાનગી સ્કૂલોની ફી નિર્ધારણ પ્રક્રિયા ચાલી રહી છે.જેમાં હાલ કેટલીક સ્કૂલોની પ્રોવિઝનલ ફી નક્કી જાહેર કરી દેવામા આવી છે.
જે સ્કૂલોએ ફી મર્યાદા કરતા વધુ ફી માટેની દરખાસ્તો કરી છે તેવી સ્કૂલોની ફી નકકી કરવામા આવી રહી છે.અમદાવાદ શહેર ડીઈઓ દ્વારા તમામ ખાનગી સ્કૂલોને ફીનો હુકમ નોટિસ બોર્ડ તેમજ શાળાની વેબસાઈટ પર મુકવા આદેશ કરવામા આવ્યો છે.જે શાળાઓ ફી રેગ્યુલેશનના નિયમો મુજબ નોટિસ બોર્ડ પર ફી જાહેર નહી કરે તેવી શાળાઓ સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામા આવશે.


