નવી દિલ્હી,તા.21 ઓકટોબર : ફૂટબોલ જગતની ટોચની ક્લબ ગણાતી માન્સચેસ્ટર યુનાઈટેડને ક્રિકેટની સૌથી મોંઘી અને મોટી ટુર્નામેન્ટ આઈપીએલમાં રસ પડ્યો છે.આઈપીએલમાં બે નવી ટીમો ખરીદવા માટે વિદેશોમાં પણ ઉત્સુકતા જોવા મળી રહી છે.માન્ચેસ્ટર યુનાઈડેટના માલિક ગ્લેઝર પરિવારને પણ આઈપીએલની ટીમ ખરીદવામાં રસ પડ્યો હોવાનો અહેવાલ એક અંગ્રેજી અખબારમાં પ્રસિધ્ધ થયો છે.માન્ચેસ્ટર યુનાઈડેટ દુનિયાની સૌથી મોંઘી ફૂટબોલ ક્લબ પૈકીની એક છે.ફૂટબોલ સ્ટાર રોનાલ્ડો આ ક્લબ વતી રમી રહ્યો છે.ભારતીય ફાસ્ટ બોલર બુમરાહે તાજેતરમાં ક્લબની મુલાકાત લીધી હતી.તેને ક્લબ દ્વારા એક ટી શર્ટ પણ ગિફ્ટ કરાઈ હતી.આ પહેલા પણ ઘણા ભારતીય ક્રિકેટરો આ ક્લબની મુલાકાત લઈ ચુકયા છે.
ગ્લેઝર પરિવારે એક પ્રાઈવેટ ઈક્વિટી કંપની થકી આઈપીએલ ટીમ ખરીદવામાં રસ બતાવ્યો છે. કંપની આઈપીએલમાં થનારી બે ટીમની હરાજીની કાર્યવાહી પર નજર રાખી રહી છે.ભારતના ક્રિકેટ બોર્ડે આ ટીમો ખરીદવા માટેના ટેન્ડરની તારીખ તાજેતરમાં લંબાવી હતી. જેમાં ટીમની હરાજી સાથે સંકળાયેલા દસ્તાવેજ 20 ઓક્ટોબર સુધી ખરીદવાના હતા.હવે 25 ઓકટબરે બે નવી ટીમો અંગે જાહેરાત કરવામાં આવશે.નવા નિયમોમાં વિદેશી કંપનીઓને પણ ટીમ ખરીદવા માટે મંજૂરી છે. આ અહેવાલમાં કહેવાયુ છે કે, માન્ચેસ્ટર યુનાઈટેડે હરાજીને લગતા દસ્તાવેજો ખરીદયા છે. પણ હવે તે બોલીમાં સામેલ થાય છે કે કેમ તે જોવાનુ રહેશે.નવી ટીમો ખરીદવામાં અદાણી ગ્રૂપ, ટોરેન્ટ ફાર્મા, અરવિન્દો ફાર્મા, આરપી સંજીવ ગોએન્કા ગ્રૂપ, હિન્દુસ્તાન ટાઈમ્સ મીડિયા,જિંદાલ સ્ટીલ,રોની સ્ક્રુવાલા રેસમાં છે.નવી ટીમોના યજમાન તરીકે અમદાવાદ, લખનૌ, ગૌહાટી, ઈન્દરો, કટક અને ધર્મશાળા જેવા શહેરો આગળ છે. આ પૈકીના બે શહેરોને નવી બે ટીમો સાથે જોડવામાં આવશે. જેમાં અમદાવાદનુ નામ મોખરે ચાલી રહ્યુ છે.

