અમદાવાદ : કેન્દ્ર સરકાર તરફથી લાગૂ કરવામાં ફૂડ સેફટી એકટ-૨૦૦૬ અંતર્ગત અમદાવાદમાં મ્યુનિ.ના ફૂડ વિભાગ તરફથી ૩૦ જુન સુધીમાં વિવિધ ખાદ્યચીજોના ૮૪૦ સેમ્પલ લેવામાં આવ્યા છે.આ પૈકી એક પણ સેમ્પલ અનસેફ જાહેર કરવામાં આવ્યુ નથી.ફૂડ વિભાગ તરફથી પહેલી મેથી ત્રીસ જુન સુધીમાં કુલ ૩૭૩ સેમ્પલ લેવાયા છે.આ પૈકી ૧૧૮ સેમ્પલના પરિણામ આવવાના હજુ બાકી છે.શહેરના વિવિધ વિસ્તારમાં બિન આરોગ્યપ્રદ સ્થિતિમાં વેચાતી ખાદ્યચીજો લોકો ખાઈ રહ્યા છે.આમ છતાં ફૂડ વિભાગે લીધેલા ફૂડ સેમ્પલ પૈકી એક પણ સેમ્પલ અનસેફ ના મળે એ અચરજ પમાડે એવી બાબત છે.
ફૂડ સેફટી એકટ-૨૦૦૬ના દેશવ્યાપી અમલ શરુ કરવામાં આવ્યા બાદ મ્યુનિ.ના ફૂડ વિભાગ તરફથી શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ફરસાણ,નમકીન સહિતની ખાદ્યચીજોના સેમ્પલ વખતો વખત લેવામાં આવી રહ્યા છે.શહેરની હાલની વસ્તીને ધ્યાનમાં લેતર્વોર્ડ દીઠ એક ફૂડ ઈન્સપેકટર હોવો જોઈએ.એની તુલનામાં હાલમાં ફૂડ વિભાગમાં તેર ફૂડ ઈન્સપેકટર ફરજ બજાવી રહ્યા છે.આ કારણથી પણ શહેરના સાત ઝોનમાં જે પ્રમાણે સેમ્પલ લેવાવા જોઈએ એટલા સેમ્પલ લેવાતા નથી.બીજી તરફ મ્યુનિ.ના ફૂડ વિભાગ દ્વારા જાહેર તહેવારના સમયે જ ફૂડ સેમ્પલ લેવામાં આવતા હોવાની લોકોમાં ચર્ચા છે.તહેવાર પુરા થઈ ગયા બાદ ફૂડ વિભાગે લીધેલા સેમ્પલના પરિણામ જાહેર થતા હોય છે.
વર્ષ-૨૦૨૨ના આરંભથી ત્રીસ જુન સુધીમાં કુલ ૮૪૦ સેમ્પલ લેવામાં આવ્યા હતા.મ્યુનિસિપલ કોર્પોરેશનની પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં આ સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવતા ૨૪ સેમ્પલ સબસ્ટાન્ડર્ડ જાહેર કરાયા છે.૧૬ સેમ્પલ મિસબ્રાન્ડ અને એક સેમ્પલ મિસબ્રાન્ડ ઉપરાંત સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યુ છે.એડીશનલ મેડીકલ ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીના કહેવા પ્રમાણે,પહેલી મેથી ત્રીસ જુન સુધીમાં લેવામાં આવેલા વિવિધ ખાદ્યચીજોના કુલ ૩૭૩ સેમ્પલ પૈકી આઠ સેમ્પલ મિસબ્રાન્ડ,એક સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવ્યા છે.૧૧૮ના પરિણામ હજુ આવવાના બાકી છે.એનો અર્થ એ થાય કે ૨૪૬ સેમ્પલમાં કોઈ પ્રકારની ક્ષતિ કે ભેળસેળ જોવા મળી નથી.શહેરના વિવિધ વિસ્તારોમાં ચાલતા રાત્રિ ખાણી-પીણી બજારમાં કયાં-કયારે ફૂડ વિભાગે સેમ્પલ લીધા અને કેટલા સેમ્પલ બિન આરોગ્યપ્રદ મળી આવ્યા એ અંગે તંત્રમાં કોઈ બોલવા તૈયાર નથી.


