– ટોચના ન્યૂઝ નેટવર્કને ચૂંટણી વિશે અફવા ફેલાવવી મોંઘી પડી
– ફોક્સ અફવા ફેલાવી હતી કે ડોમિનિયન વોટિંગ સિસ્ટમ્સે ડોનાલ્ડ ટ્રમ્પના મત જો બાયડનને ટ્રાન્સફર કર્યા હતા
વિલ્મિંગટન ,તા. 20 એપ્રિલ 2023, ગુરુવાર : ફોક્સ ન્યુઝે ડોમિનિયન વોટીંગ સીસ્ટમ્સને ૨૦૨૦ની પ્રમુખપદની ચૂંટણી વિશે નેટવર્કે ડોનાલ્ડ ટ્રમ્પની હાર વિશે જે જૂઠાણુ ચલાવ્યું હતું તેના વિશેનો દાવો ટાળવા લગભગ ૬૪,૦૦૦ કરોડ ( ૮૦૦) મિલિયન અમેરિકી ડોલર ચૂકવવાની સહમતિ દર્શાવી હતી.કેસની સૂનાવણી થવા અગાઉ જ આ ચોંકવનારી પતાવટ થતા ફોક્સ ન્યુઝને શરમજનક સ્થિતિમાં મુકનાર કેસનો અચાનક અંત આવ્યો હતો.જો કેસ ચાલ્યો હોત તો ફોક્સ ન્યુઝના સંસ્થાપક રુપર્ટ મુર્ડોક અને ટકર કાર્લસન તેમજ શોન હેનિટી જેવા સ્ટાર્સે જાહેરમાં જુબાની આપવી પડી હોત.
ફોક્સ ન્યુઝ નેટવર્ક સાથે કેસની પતાવટ થયા પછી ડોમિનિયન વોટીંગ સીસ્ટમ્સના વકીલે કહ્યું કે આખરે સત્યનો વિજય થયો છે અને જૂઠાણાએ તેની કિંમત ચુકવવી પડી છે.ડોમિનિયને ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના મત ડેમોક્રેટ જો બાયડનને ટ્રાન્સફર કર્યા હતા એવા ફોક્સના દાવાથી પોતાની કંપનીની પ્રતિષ્ઠાને નુકસાન થયું છે તેવો આક્ષેપ કરીને ડોમિનિયને ફોક્સ પર ૧.૬ અબજ ડોલરનો દાવો માંડયો હતો.સમાધાન દરમ્યાન ફોક્સ કબૂલ કર્યું કે ડોમિનિયન વિશે તેણે કરેલા અનેક દાવા ખોટા સાબિત થયા હતા, જો કે આટલી મોટી રકમ ચુકવવા તૈયાર થયેલા ફોક્સ નેટવર્કે કોઈ માફી નથી માગી.નિષ્ણાંતોના મતે ફોક્સ જેવી કંપની માટે પણ સમાધાનની આ રકમ ઘણી મોટી કહેવાય.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે જ સેન્ડી હૂક સ્કૂલ હત્યાકાંડ વિશે ખોટી ષડયંત્રયુક્ત થિયરી ફેલાવવા માટે કનેક્ટીકટ જ્યુરી દ્વારા એલેક્સ જોન્સ સામે ૯૬૫ મિલિયન ડોલરનો ચુકાદો આપવામાં આવ્યો હતો.આવા અનેક કેસ સક્રિય હોવાને કારણે ફોક્સને આ કેસમાં નાણાંકીય જોખમ જણાયું હોવું જોઈએ.ડોમિનિયન ફોક્સના અનેક કર્મચારીઓ અને અધિકારીઓના ટેક્સ્ટ મેસેજ અને આંતરિક ઈમેલ રજૂ કરીને સાબિત કરવા માગતું હતું કે ફોક્સને સત્યની જાણ હોવા છતાં તેણે કોઈપણ જાતની પરવા વિના ખોટી અફવા ફેલાવી હતી.
કેસમાં રજૂ થયેલા રેકોર્ડથી સાબિત થયું હતું કે ફોક્સ પોતાના દર્શકોને પાછા મેળવવા માગતું હતું.બાયડન સાચી રીતે એરિઝોનાની ચૂંટણી જીત્યા હતા એવું દર્શાવાયા પછી ઘણા દર્શકોએ ચેનલ છોડી દીધી હતી.કેસમાં મુર્ડોકે જુબાની આપી હતી કે તેના મતે ૨૦૨૦ની ચૂંટણી ન્યાયી હતી અને ટ્રમ્પની ખોટી રીતે હાર નહોતી થઈ.પરંતુ ફોક્સની કાનૂની સમસ્યાઓ સમાપ્ત થઈ શકશે નહીં.તે હજુ પણ અન્ય વોટિંગ ટેકનોલોજી કંપની સ્માર્ટમેટિક તરફથી માનહાનિના મુકદ્દમાનો સામનો કરી રહી છે.તેના વકીલ,એરિક કોનોલીએ મંગળવારે જણાવ્યું હતું કે ડોમિનિયનના મુકદ્દમાએ ફોક્સની ડિસઇન્ફોર્મેશન ઝુંબેશને કારણે થયેલી કેટલીક ગેરવર્તણૂક અને નુકસાનનો પર્દાફાશ કર્યો હતો.સ્માર્ટમેટિક બાકીનાને ઉજાગર કરશે.


