ફ્રેન્કફર્ટ, તા.૬ : જર્મન કલબ એન્ટ્રાન્ચ્ટ ફ્રેન્કફર્ટે ૧૦ ખેલાડીઓથી રમી રહેલી ઈંગ્લિશ કલબ વેસ્ટ હામ યુનાઈટેડ સામેની યુરોપા લીગની સેમિ ફાઈનલમાં વિજય મેળવ્યો હતો.આ સાથે તેઓ ૪૨ વર્ષમાં પહેલી વખત યુરોપા લીગની ફાઈનલમાં પ્રવેશ્યા હતા.જ્યારે સ્કોટિશ કલબ રેન્જર્સે જર્મનીની આરબી લેઈપઝિગને પરાજીત કરીને ફાઈનલમાં પ્રવેશ પ્રાપ્ત કર્યો હતો.એન્ટ્રાન્ચ્ટ ફ્રેન્કફર્ટે ઘરઆંગણે રમાયેલી વેસ્ટ હામ યુનાઈટેડ સામેની સેકન્ડ લેગની મેચમાં રાફેલ સાન્તોસ બોરે માઉરીના ૨૬મી મિનિટના ગોલને સહારે જીત હાંસલ કરી હતી.અગાઉ રમાયેલી ફર્સ્ટ લેગની સેમિ ફાઈનલમાં ફ્રેન્કફર્ટની ટીમે વેસ્ટ હામ સામે ૨-૧થી જીત હાંસલ કરી હતી.સેમિ ફાઈનલની બંને મેચનો સ્કોર ભેગો કરતાં ફ્રેન્કફર્ટની ટીમ ૩-૧થી જીત્યું હતુ.
ફ્રેન્કફર્ટ ઈ.સ. ૧૯૮૦ બાદ યુરોપા લીગની ફાઈનલમાં પ્રવેશનારી સૌપ્રથમ યુરોપીયન ટીમ છે.છેલ્લે ૧૯૮૦માં બોરશિયા મોન્ચેન્ગલાબેચ કલબ યુરોપા લીગની ફાઈનલમાં પ્રવેશી હતી.જ્યારે સ્કોટિશ કલબ રેન્જર્સને ૫૦ વર્ષમાં પહેલી વખત યુરોપીયન ટાઈટલની આશા છે.આરબી લેઈપઝિગ સામેની ફર્સ્ટ લેગની સેમિ ફાઈનલમાં રેન્જર્સનો ૦-૧થી પરાજય થયો હતો.જોકે સેકન્ડ લેગ સેમિ ફાઈનલમાં રેન્જર્સે જોરદાર લડત આપતાં ૩-૧થી જીત હાંસલ કરી હતી.રેન્જર્સ તરફથી જેમ્સ ટાવેર્નીર, ગ્લેન કામારા અને જોન લ્યુડસ્ટ્રામે ગોલ ફટકાર્યા હતા.જ્યારે લેઈપઝિગ તરફથી એકમાત્ર ગોલ ક્રિસ્ટોફર કુન્કુએ નોંધાવ્યો હતો.