– ઈન્વેસ્ટર્સ ગ્રૂપ ઓનલાઈન પિટીશન પણ લોન્ચ કરશે અને પીએમઓ સુધી રજૂઆત કરશે
નવી દિલ્હી : ઈન્વેસ્ટર ગ્રુપ ચેન્નઈ ફાઈનાન્શિયલ માર્કેટ્સ એન્ડ એકાઉન્ટેબિલિટી (CFMA)એ એક નિવેદનમાં કહ્યું છે કે મદ્રાસ હાઈકોર્ટે ફ્રેન્કલીન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડ અને સેબીને નોટિસ આપી છે. આ ગ્રુપે કોર્ટમાં જાહેર હિતની અરજી (પીઆઈએલ) કરી હતી અને ફ્રેન્કલીન ટેમ્પલટને બંધ કરેલી 6 સ્કીમમાં રોકાણકારોના ~28,000 કરોડ ફસાયા છે તેની સલામતી માટે વિનંતી કરી હતી. CFMAએ કહ્યું હતું કે તે આ ઉપરાંત એક ઓનલાઈન પિટીશન પણ લોન્ચ કરી રહ્યું છે અને આ 6 સ્કીમ બંધ કરવાના પગલાંથી જે લોકોને અસર થઈ છે તે તમામને એક સાથે લાવવા પ્રયાસ કરશે. ત્યારબાદ આ પિટીશન વડાપ્રધાન કાર્યાલયને મોકલવામાં આવશે અને આ ફંડ હાઉસના અમેરિકા સ્થિત પેરન્ટ ગ્રુપને તથા અમેરિકન બજાર નિયામક સિક્યુરિટીઝ એક્સચેન્જ કમિશન (SEC) પણ મોકલાશે.
CFMAએ જણાવ્યા અનુસાર મદ્રાસ હાઈકોર્ટે સેબી, ફ્રેન્કલીન ટેમ્પલટન એસેટ મેનેજમેન્ટ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટી, તેના પ્રેસિડેન્ટ સંજય સપ્રે, ફિક્સ્ડ ઈન્કમ સીઆઈઓ સંતોષ કામથ અને અન્ય મહત્ત્વના મેનેજમેન્ટ પર્સોનેલને 26 મેએ નોટિસ પાઠવી છે. હાઈકોર્ટે સામાન્ય રોકાણકારોની ~28,000 કરોડ જેવી જંગી રકમ ફસાઈ ગઈ હોવાની બાબતને ગંભીરતાથી લીધી છે અને આ મામલે શું પગલાં લીધા તેના સ્ટેટસ રિપોર્ટ સાથે સેબી પાસે જવાબ માગ્યો છે.
ઈન્વેસ્ટર્સ ગ્રુપે તેની પીઆઈએલમાં કહ્યું છે કે ફ્રેન્કલીન ટેમ્પલટને પોતે કબૂલ્યું છે કે આ 6 સ્કીમમાં નાણાંની રિકવરી પાંચ વર્ષમાં 5થી81 ટકા સુધીની રહેશે. આ સ્કીમની ~28,000 કરોડની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટને ધ્યાનમાં લેતા યુનિટધારકોને સરેરાશ નુકસાન 20 ટકા રિયલાઈઝેશન મુજબ ગણીએ તો ~22,400 કરોડ થાય છે. આમ, રોકાણકારોની મુદ્દલ રકમનો સફાયો થઈ જાય તેમ છે.યુનિટધારકો ફસાઈ ગયા છે અને તેઓ હાલ તો તેમના ઈમરજન્સી મેડિકલ બિલની પણ ચૂકવણી કરી શકે તેમ નથી.
ગ્રૂપે આક્ષેપ કર્યો હતો કે ફ્રેન્કલીન ટેમ્પલટને 6 સ્કીમ બંધ કરી એ પાશેરામાં પહેલી પૂણી છે અને ભારતમાં આ એવું ફંડ ડિફોલ્ટ થયું છે, જે સૌથી શ્રેષ્ઠ પૈકી એક હતું અને અમેરિકામાં તેના પેરેન્ટ ગ્રુપની પણ આગવી શાખ છે. ફંડ મેનેજરો ભાગી ન જાય અને યુનિટધારકોનાં તમામ નાણાંની વસૂલાત કરવામાં આવે તેવી ખાતરી આ ગ્રુપે કોર્ટ સમક્ષ માગી છે. ફંડની વ્યક્તિગત એસેટ્સની વિગત પણ જાહેર કરવા તેણે કોર્ટને વિનંતી કરી છે. તેના ટોચના અધિકારીઓને રાજીનામું આપતા અટકાવવા અને વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ મૂકવા સહિતની માગણી આ ઈન્વેસ્ટર્સ ગ્રુપે કરી છે.


