કોલકાતા : પશ્ચિમ બંગાળમાં રાજ્યપાલ જગદીપ ધનખડ અને મુખ્યમંત્રી મમતા બેનરજી વચ્ચે ઘણા લાંબા સમયથી ચાલતો વિવાદ વિવિધ મુદ્દાઓ પર વધુ ગંભીર બની રહ્યો છે.હવે મમતા સરકારની કેબિનેટના મોટા નિર્ણયથી રાજ્યપાલ અને મુખ્યમંત્રી વચ્ચેનો વિવાદ વધુ વકરશે.બંગાળમાં હવે રાજ્યની તમામ યુનિવર્સિટીઓના કુલપતિ રાજ્યપાલ જગદીપ ધનખડના બદલે મુખ્યમંત્રી મમતા બેનરજી હશે. પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડ અનેક વખત મમતા સરકાર પર રાજ્યપાલની સત્તાઓ ઘટાડવા,તેમના નિર્ણયો પર ધ્યાન નહીં આપવા અને આદેશોની અવગણના કરવાનો આરોપ મૂકતા રહ્યા છે.હવે રાજ્ય સરકારની કેબિનેટે રાજ્યપાલ વિરુદ્ધ એક મોટો નિર્ણય કર્યો છે.બંગાળની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિ હવે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રી મમતા બેનરજી હશે.તેના ફળસ્વરૂપે રાજ્યપાલનું સરકારી યુનિવર્સિટીઓ પર કોઈ પ્રકારનું નિયંત્રણ નહીં હોય.મમતા સરકારે આ સંદર્ભમાં વિધાનસભામાં એક બિલ લાવવાની તૈયારી કરી છે.સૂત્રોએ જણાવ્યું કે,રાજ્યપાલ કોઈ બિલને મંજૂરી ન આપે તો આ મુદ્દે વટહુકમ લાવી શકાય છે.શિક્ષણ મંત્રી બ્રાત્ય બસુએ ગુરુવારે કહ્યું કે રાજ્યપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની સરકારી યુનિવર્સિટીઓના કુલપતિ બનાવવા માટે ટૂંક સમયમાં વિધાનસભામાં બિલ રજૂ કરાશે. રાજ્ય મંત્રીમંડળે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે.
રાજ્યપાલ જગદીપ ધનખડે આક્ષેપ કર્યો હતો કે,બંગાળની ૨૪ યુનિવર્સિટીઓમાં તેમની મંજૂરી વિના અને આદેશોની અવગણના કરતા કુલપતિ અંગે નવો નિર્ણય લેવાયો છે.ટૂંક સમયમાં જ આ નિર્ણય પાછો નહીં ખેંચાય તો તેમણે કાર્યવાહી કરવી પડશે.આ પહેલાં રાજભવનમાં રાજ્યપાલ તરફથી બોલાવાયેલી બેઠકમાં ખાનગી યુનિવર્સિટીઓના કુલપતિઓએ હાજર ન રહેતા પણ વિવાદ થયો હતો.થોડાક દિવસ પહેલાં જ યુનિવર્સિટીઓમાં કુલપતિઓની નિમણૂક અંગે બંગાળમાં સામ-સામા આક્ષેપો થયા હતા.બંગાળની મમતા સરકારે આરોપ મૂક્યો હતો કે રાજ્યપાલ જગદીપ ધનખડે રાજ્ય સરકારની સહમતિ વિના અનેક કુલપતિઓની નિમણૂક કરી દીધી.તેથી રાજ્યપાલની શક્તિઓ ઘટાડવા માટે રાજ્ય સરકારે આ મોટું પગલું ઉઠાવ્યું છે.રાજ્ય સરકારનો દાવો છે કે રાજ્યપાલના કારણે યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરની નિમણૂકમાં વિલંબ થઈ રહ્યો હતો.આ નિમણૂકોમાં રાજકીય દખલ થઈ રહી હતી.અગાઉ રાજ્યપાલ જગદીપ ધનખડે ટ્વીટ કરીને મમતા સરકાર પર આક્ષેપ કર્યો હતો કે,કુલપતિની મંજૂરી વિના જ ગેરકાયદે રીતે ૨૫ યુનિવર્સિટીઓના વાઈસ ચાન્સેલરની નિમણૂક કરી દેવાઈ છે.કોલકાતા યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર સોનાલી ચક્રવર્તીની કોઈપણ પસંદગી વિના ચાર વર્ષના બીજા કાર્યકાળ લંબાવી દેવાયો છે.