નવી દિલ્હી, તા. ૨૬ :. ૧લી જુલાઈથી સમગ્ર દેશમાં અનલોક-૨.૦નો પ્રારંભ થશે. જે દરમિયાન વધુમાં વધુ કોમર્શિયલ પ્રવૃતિઓ શરૂ થાય તેવો પ્રયાસ રહેશે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં કર્ફયુના સમયમાં ઘટાડો થશે.આ અંગેનો નિર્દેશ ગઈકાલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આપ્યો હતો.દુકાનો રાત્રીના ૯ સુધી ખુલી રાખવાની મંજુરી મળે તેવી શકયતા છે. જ્યારે કર્ફયુ મધરાતથી સવારે ૫ સુધીનો રહેશે.
દુકાનો અને હોટલો રાત્રીના ૯ સુધી ચાલુ રાખવાની મંજુરી મળશે કે જે હાલ સાંજે ૭ વાગ્યા સુધીની છે.અત્યારે રાત્રીના ૯ થી સવારના ૫ સુધીનો કર્ફયુ છે તેમા પણ મોટી રાહત આપવામાં આવે તેવી શકયતા છે.રાત્રીના ૧૨ થી સવારના ૫ સુધીનો કર્ફયુ રહે તેવુ શકયતા છે.
ગઈકાલે બપોરે પત્રકારો સાથે વાત કરતા ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યુ હતુ કે વડાપ્રધાન સાથેની ચર્ચામાં એવી ચર્ચા થઈ હતી કે અનલોક-૨.૦માં વધુમાં વધુ કોમર્શિયલ પ્રવૃતિઓ શરૂ થાય તેવો પ્રયાસ રહેશે.જો કે કોઈપણ પ્રકારની જાહેરાત કરતા પૂર્વે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન્સની રાહ જોશે તેવુ તેમણે કહ્યુ હતું.
ટોચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આવતા દિવસોમાં વધુ રાહત આપી મોલ્સ અને થીયેટરોને પણ ચાલુ કરવાની છૂટ મળશે.આગામી દિવસોમાં દુકાનો વધુ સમય સુધી ખુલી રાખી શકાશે એટલુ જ નહિ કર્ફયુના કલાકો પણ ઘટશે કે જેથી વેપાર-ધંધા પુનઃ ધમધમતા થઈ શકે.

