સુરત : સુરત મ્યુનિ.ના ઉધના ઝોનમાં પાલિકાના અનામત પ્લોટ અને ડ્રેનેજના ઇનલેટ ચેમ્બર ર બનતા મંદિરનું પાલિકાએ પોલીસ બંદોબસ્ત વચ્ચે ડિમોલીશન કરી દીધું હતું.લોકોના હોબાળા અને વિરોધ વચ્ચે પાલિકાએ ડિમોલીશન કરતાં લોકોનો મોરચો ઝોન પર પહોંચ્યો હતો.ચારેક મહિના પહેલા શિવલિંગ અને નંદી મુકી મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યારે જ પાલિકાએ અટકાવ્યું હતું.ઉધના ઝોનમાં આવેલા ટી.પી.૫૬ બમરોલી ફા.પ્લોટ.નં.આર-૮ માં સ્થાનિકો દ્વારા સુરતમહાનગર પાલિકા ના અનામત પ્લોટ માં મંદિર નું બાંધકામ ચારેક મહિના પહેલા શરૃ કર્યાની જાણ થતા ઝોનના સ્ટાફ દ્વારા સ્થાનિકોને આ પ્લોટ પાલિકાનો છે અહી મંદિર બનાવી શકાય નહી તેવી સમજ અપાઇ હતી.ત્યારે મંદિર બનાવવાની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.પાલિકાના સ્ટ્રોમ ડ્રેનેજ ચેમ્બર તથા મેઇન હોલ પર ઓટલાનું બાંધકામ કરવામાં આવ્યું હતું.આ જગ્યામાં મંદિર ની બાજુમાં એક ફૂટની દિવાલો તથા આર.સી.સી.બાંધકામ કરી આર.સી.સી.ઓટલો બનાવી તેના પર શિવલીંગ તથા નંદીની મૂત મૂકી દેવામાં આવી હતી.
ગેરકાયદે રીતે મ્યુનિ.ના રીઝર્વેશન પ્લોટ પર મંદિર બનાવવામાં આવતા ઉધના ઝોન દ્વારા આ જગ્યા નો કબજો લેવા માટે ડિમોલિશનની કામગીરી કરી હતી અને તે માટે પાલિકાએ કાયદો વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ બંદોબસ્તની માંગણી પણ કરી હતી જેથી પાલિકા સ્ટાફ અને પોલીસ સ્ટાફ સાથે મળીને આ દબાણ દુર કરી જગ્યા નો કબજો લઈ લીધો હતો.પાલિકાએ ડિમોલીશન કરી દેવાતા સ્થાનિક લોકો અને મંદિરના પુજારી ઉધના ઝોન ઓફિસ ખાતે મોરચો લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા.પરંતુ પાલિકાએ અનામત જગ્યા હોય આ જગ્યાએ મંદિર ન બની શકે તેવી સ્પષ્ટ વાત કરી હતી.