– પુત્રી ઝવેરાત અને નાણાં સાથે ગૂમ થયાનો પરિવારનો દાવો
– વિશ્વ હિન્દુ પરિષદે પોલીસ સ્ટેશન સામે દેખાવો કર્યા
બરેલી તા.21 : ઉત્તર પ્રદેશના બરેલી વિસ્તારમાં કહેવાતા લવ જિહાદના મામલે હોબાળો સર્જાયો હતો. 17મી ઓક્ટોબરે શનિવારે એક યુવતી ગૂમ થઇ હતી.એના પરિવારે એવો આક્ષેપ કર્યો હતો કે એક વિધર્મી યુવાને અમારી પુત્રીને ફસાવી હતી અને એ સગીર હોવા છતાં એની સાથે લગ્ન કરી લીધાં હતાં.
આ પરિવારે એવો પણ આક્ષેપ કર્યો હતો કે અમારી પુત્રી ઝવેરાત અને રોકડા આઠ લાખ રૂપિયા સાથે ગૂમ થઇ હતી.એને વિધર્મી યુવાને ભોળવી હતી. આ મુદ્દે ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદના સમર્થકોએ બરેલી પોલીસ સ્ટેશન સામે દેખાવો કર્યા હતા.
આ હોબાળા પછી સંબંધિત યુવતીની એક વિડિયો ક્લીપ વહેતી થઇ હતી જેમાં એણે પોતે પુખ્ત વયની હોવાની જાહેરાત કરતાં કહ્યું હતું કે મેં સ્વેચ્છાએ પ્રેમલગ્ન કર્યાં છે.મને કોઇએ ફસાવી કે લલચાવી નથી.
વિશ્વ હિન્દુ પરિષદના દેખાવો કરી રહેલા યુવાનોને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.જો કે પાછળથી લાઠીચાર્જ કરનારા કેટલાક પોલીસને સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.વિશ્વ હિ્ન્દુ પરિષદના યુવાનોએ એવો આક્ષેપ કર્યો હતો કે સંબંધિત યુવતીને ફસાવવામાં આવી હતી.સોશ્યલ મિડિયા પર કેટલીક તસવીરો જોતાં ખ્યાલ આવે છે કે છોકરીને ભોળવીને ફસાવવામાં આવી હતી.
યુવતીના પિતાએ કહ્યું કે શરૂમાં અમે એમ માનતા હતા કે યુવાન હિન્દુ છે કારણ કે એના કપાળ પર તિલક હતું.પાછળથી જાણ થઇ હતી કે એ મુસ્લિમ છે અને હિન્દુ હોવાનો ડોળ ઘાલ્યો હતો.