ઈસ્લામાબાદ તા.22 : પાકિસ્તાનના અશાંત ગણાતા બલુચીસ્તાનની રાજધાની કવોટાની એક હોટલમાં થયેલા બોમ્બ ધડાકામાં ઓછામાં ઓછા ચાર લોકો માર્યા ગયા છે અને 12થી વધુ ઘાયલ થયા છે.આ હોટેલના પાર્કીંગમાં વિસ્ફોટ થયો હતો અને સૌથી મહત્વનું એ છે કે પાક. ખાતેના ચીનના રાજદૂત તેમના દેશના પ્રતિનિધિમંડળ સાથે આ હોટેલમાં રોકાયા છે.પાકના કવોટાની આ સૌથી મોટી લકઝરી હોટેલ છે અને ગઈકાલે રાત્રીના 10.30 કલાકે પાર્કીંગમાં શક્તિશાળી વિસ્ફોટ થતા હોટેલ ધ્રુજી ઉઠી હતી.જો કે ચાઈનીસ રાજદૂત કે તેમના પ્રતિનિધિમંડળના સભ્યો સલામત છે પણ પાકના ક્ષેત્રમાં અનેક ચાઈનીઝ પ્રોજેકટ ચાલે છે અને ચીનના રાજદૂત એક નવા પ્રોજેકટ માટે નિષ્ણાંતની ટીમ સામે અહી આવ્યા હતા તે સમયે થયેલો ધડાકો સૂચક છે.પાકના અનેક વિસ્તારોમાં ચીનના નિષ્ણાંતની સતત વધી રહેલી હાજરીનો વિરોધ થઈ રહ્યો છે અને કેટલાક ચાઈનીસ એન્જીનીયરનું અપહરણ પણ ભૂતકાળમાં થયું છે.મૃતકોમાં હોટેલના કર્મચારીઓ જ હોવાનું મનાય છે.પાકના ગૃહમંત્રી કવોટા દોડી ગયા છે.


