પલસાણા : સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર મુકામે આવેલી બ્લોક નંબર 320 વાળી પીર નસરુદ્દીન દરગાહની વકફ જમીન તેમજ દરગાહ પર કેટલાક ઈસમો દ્વારા દીવાલ બાંધી જમીન ઉપર કબ્જો કરવાની ફરિયાદના આધારે ગુજરાત વકફ બોર્ડ દ્વારા સુરત રેન્જ આઈ જી ને આ અંગે તપાસનો હુકમ કરવામાં આવ્યો છે.
પીર નસીરુદ્દીન દરગાહના ખાદીમો બસીર અબ્બાસ શેખ,સઈદ ખાન દાઉદખાન પઠાણ સહિતના ખાદીમોએ સામાવાળા મુસાજી સુલેમાન પટેલ અને અન્ય 15 થી 20 ઇસમોના ટોળા સામે લેખિતમાં ફરિયાદ કરી ગુજરાત પોલીસ વડા અને ગુજરાત વકફ બોર્ડને કરવામાં આવી હતી ફરિયાદમાં જણાવ્યા અનુસાર આ દરગાહની વકફ જમીનને ખોટા રેકર્ડ બનાવી મુસાજી અને અન્ય ઇસમો દ્વારા પોતાનો દસ્તાવેજ કરી લઈ અન્ય ઇસમોને આ દરગાહની વેચાણ કરી દીધેલ છે.આ જમીનમાં દેવ સ્થાન આવેલું છે.જેને તોડી નાખી જમીન પર કબજો કરવા સામાવાળા દ્વારા વારંવાર ખાદીમોને ધમકી આપવામાં આવી રહી છે.જમીન અમે વેચાણથી લીધી છે તમે અહીંથી જતા રહો આ દરગાહની માલિકી અમારી છે અને એ તોડી નાખવાના છે.એમ કહી વારંવાર ધમકી આપવામાં આવતી હતી આથી ખાદીમોએ જમીન મુદ્દે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ જિલ્લા કલેકટરને રજુઆત પણ કરવામાં આવી છે બીજી તરફ વારંવાર ધમકીને પગલે ખાદીમો અને દરગાહને નુકસાન પહોંચાડે તે પહેલાં સામા વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ સાથે રાજ્ય પોલીસ વડાને ફરિયાદ કરવામાં આવી હતી અને વકફ બોર્ડને પણ ફરિયાદ કરતા ગુજરાત રાજ્ય વકફ બોર્ડ દ્વારા રેન્જ આઈ.જી રાજકુમાર પાંડિયનને આ સમગ્ર મામલાની તપાસ સોંપવામાં આવી છે અને સ્થાનિક પોલીસની મદદથી દીવાલ બાંધી કબ્જો લેવાયો હોવાનું પણ લેટરમાં જણાવવામાં આવ્યું છે ત્યારે ધાર્મિક બાબત હોય તો આ અંગે યોગ્ય તપાસ થાય એ જરૂરી છે.