અમદાવાદ : રખિયાલ વિસ્તારમાં બહેનના પતિ સહિત સાસરીયા દ્વારા યુવક અને તેના મામા ઉપર હુમલો કર્યો હતો,જેમાં ચાકુ તથા ગુપ્તીના ઘા મારતાં મામાનું મોત થયું હતું જ્યારે યુવક ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.પોલીસ તપાસમાં મહિલાના ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા.સાસરીયા દ્વારા માનસિક શારિરીક ત્રાસ આપતા હતા જે બદલ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી જેની અદાવત રાખીને મહિલાના પતિ સહિત સાસરીના ચાર લોકોેએ યુવક અને તેના મામા ઉપર જીવલેણ હુમલો કર્યો હતો. આ બનાવ અંગે રખિયાલ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે મૂળ મધ્ય પ્રદેશના વતની અને સરસપુર ગોમતીપુર પઠાણની ચાલીમાં રહેતા અને વસ્ત્રાલમાં રિંગ રોડ ઉપર આર.એ.એફ.કેમ્પ સામે બાબા પકોડીની લારી ધરાવતા જીતેન્દ્રભાઇ અબલાખભાઇ પ્રજાપતિ(ઉ.વ.૩૨)એ રખિયાલ પોલીસ સ્ટેશનમાં મહેસાણા જિલ્લાના કડી ખાતે રહેતા પોતાના બનેવી ક્રિષ્ના ગુરુદયાલ પ્રજાપતિ અને રાહુલ ગુરુદયાલ પ્રજાપતિ તેમજ વટવામાં રહેતા રાકેશ પ્રજાપતિ અને ગોમતીપુરમાં પઠાણની ચાલીમાં રહેતા વિષ્ણુભાઇ શ્રીરામભાઇ પ્રજાપતિ સામે ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીની બહેનના લગ્ન ચાર વર્ષ પહેલા ક્રિષ્ના સાથે થયા હતા.
સાસરી પક્ષ દ્વારા ફરિયાદીની બહેનને માનસિક તેમજ શારિરીક ત્રાસ આપવામાં આવતો હતો જે બદલ ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી,જે કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે,ગયા મહિને આરોપીઓએ ફરિયાદીના ભાઇ ઉપર રામોલમાં ચાકુથી હુમલો કર્યો હતો જેના ડરના કારણે ફરિયાદી તેના મામાની સાથે આવતો જતો હતો.તા.૭ના રોજ ફરિયાદી તથા તેના મામા મોપેડ લઇને રાતે ઘરે આવતા હતા આ સમયે આરોપીઓએ રખિયાલ નાગરવેલ હનુમાન નજીક ગ્રેવીટી ત્રણ રસ્તાથી પસાર થઇ રહ્યા હતા આ સમયે આરોપીઓેએ ફરિયાદી તથા તેના મામા આનંદ પ્રજાપતિ પર લાકડીઓ હોકી તથા ચાકુ અને ગુપ્તીથી હુમલો કરીને નાસી ગયા હતા.જેમાં મામાનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે ફરિયાદી યુવક હાલમાં સિવિલમાં સારવાર હેઠળ છે.