-ટ્રમ્પના કારણે ખરડાયેલી અમેરિકાની છાપ સુધારવા બાઇડેનના પ્રયાસો
(પીટીઆઇ) વોશિંગ્ટન,તા.03 ફેબ્રુઆરી 2021,બુધવાર
અમેરિકાના રાષ્ટ્પતિ જો બાઇડેને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમિગ્રેશન પોલિસી અંગે લીધેલા આકરા નિર્ણયો રદ કર્યા છે.તેમણે આ માટેના ત્રણ ઇમિગ્રેશન ઓર્ડરો પર સહી કરતા જણાવ્યું હતું કે કાયદાકીય ઇમિગ્રેશન પ્રણાલી યોગ્ય,વ્યવસ્થિત અને માનવીય હોવી જોઈએ. ટ્રમ્પની આકરી ઇમિગ્રેશન પોલિસીના લીધે કુટુંબો પાસેથી બાળકો છીનવી લેવા પડયા હતા.
વર્તમાન નીતિઓની સમીક્ષા અને વિવિધ ફેડરલ એજન્સીઓ દ્વારા ૬૦થી ૧૮૦ દિવસની કરવામાં આવેલી ભલામણોના લીધે અમેરિકન નાગરિકત્વનું સ્વપ્ન સેવતા હજારો ભારતીય વ્યવસાયિકોને ફાયદો થયો છે.બાઇડેને જણાવ્યું હતું કે હું નવો કાયદો બનાવતો નથી,પરંતુ જૂનો કાયદો નાબૂદ કરું છું.બાઇડેને વ્હાઇટહાઉસમાં બેઠાં પછી ઢગલાબંધ એક્ઝિક્યુટિવ ઓર્ડરો પર સહી કરી છે.આપણે યોગ્ય,વ્યવસ્થિત અને માનવીય કાયદાકીય ઇમિગ્રેશન પોલિસી દ્વારા અમેરિકાને વધારે સલામત,મજબૂત અને વધારે સમૃદ્ધ બનાવી શકીશું.
તેમણે જણાવ્યું હતું કે એક્ઝિક્યુટિવ ઓર્ડરોનું ધ્યેય ઇમિગ્રેશન સિસ્ટમને વધારે મજબૂત બનાવવાનું છે.તેમણે કહ્યું હતું કે અમુક દેશોના મુસ્લિમોના આગમન પર પ્રતિબંધ દૂર કરવો,અમેરિકાનું સ્વપ્ન સેવનારાઓને બચાવવા તે તેમની હોદ્દો સંભાળ્યાના પહેલા દિવસની જ નેમ છે.તેઓ આના આધારે દેશની છાપ પણ સુધારવા માંગે છે.
તેમણે તેમના ત્રણ એક્ઝિક્યુટિવ ઓર્ડરોમાંના એકમાં જણાવ્યું હતું કે સંઘીય સરકાર જોડાણ, સમાવેશિતા અને નાગરિકતાને વેગ આપવા માટે આવકારની વ્યૂહરચના ઘડશે અને આ રીતે નવા અમેરિકનોને આપણી લોકશાહીમાં સમાવી શકાશે.તેમણે કહ્યું હતું કે અમારે પહેલું કાર્ય તો અગાઉના વહીવટીતંત્ર દ્વારા રાષ્ટ્રીય શરમ બની ગયેલું કાર્ય ખતમ કરવાનું છે.તેમા કુટુંબો પાસેથી બાળકોને તેમની માતાઓના હાથમાંથી છીનવી લેવાયા હતા. કોઈપણ પ્રકારના આયોજન વગર આ પગલું ભરાયું હતું.તેથી કસ્ટડીમાં રહેલા આવા બાળકો અને માબાપનું રિયુનિયન જરૂરી છે.
પહેલા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં તેમણે ટાસ્ક ફોર્સ રચી હતી, જેનું ધ્યેય અગાઉના વહીવટીતંત્રના પગલાંના લીધે વિભાજીત થયેલા કુટુંબોના રિયુનિયનનું છે.તેના અધ્યક્ષ પદે હોમ લેન્ડ સિક્યોરિટીના સચિવ બેસશે.ગેરકાયદેસરના ઇમિગ્રેશનને રોકવા માટે ટ્રમ્પ વહીવટીતંત્રએ અમેરિકા-મેક્સિકોની સરહદ વટાવીને આવેલા દસ્તાવેજો વગરના પુખ્તો અને તેમના બાળકોને અલગ કરી દીધા હતા.આ રીતે લગભગ ૫,૫૦૦ કુટુંબો અલગ કરાયા હતા અને તેમના ૬૦૦થી વધુ બાળકોના માબાપને હજી સુધી શોધી શકાયા નથી, એમ યુએસ મીડિયા રિપોર્ટે જણાવ્યું હતું.
બીજા એક્ઝિક્યુટિવ ઓર્ડરમાં સરહદો વટાવીને સ્થળાંતર કરનારાઓના મૂળમાં જવાની વ્યૂહરચના છે.તેમા તેમને માનવીય આધારે આશ્રય આપવાની પ્રણાલિ છે.તેમા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગને માઇગ્રન્ટ પ્રોટેક્શન પ્રોટોક્લ પ્રોગ્રામનો અંત લાવવા જણાવાયું છે,જેથી ઉત્તરીય મેક્સિકોમાં માનવતાવાદી કટોકટી સર્જાઈ હતી.આ સિવાય પ્રતિ દેશ ગ્રીન કાર્ડ ફાળવણીના ક્વોટાની નાબૂદ કરતા બિલમાં પણ તેમણે સહી કરી હતી.તેના લીધે હજારો ભારતીય ઇમિગ્રન્ટ્સને ફાયદો થશે.આ ઉપરાંત એચ-વનબી વિસાધારકની પત્નીને નોકરી ન કરવા દેવાના ટ્રમ્પ વહીવટીતંત્રના અગાઉના નિર્ણયને પણ બિડેને રદ કર્યો હતો.ભારતીય ઇમિગ્રન્ટ્સે બિડેનના આ નિર્ણયનું સ્વાગત કર્યુ હતું.


