રાજ્યમાં કોઇ મોટા નેતા આવી રહ્યા હોય અને તૈયારી થઇ રહી હોય તેવી તૈયારી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના આગમનની થઇ રહી છે.આજથી ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતની મુલાકાતે છે.પાંચ મોટા શહેરમાં દિવ્ય દરબાર યોજવાના છે.તેને લઇને તડામાર તૈયારીઓ ચાલી રહી છે.લાખો અનુયાયીઓ જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હતા એવા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી આજે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે.અહીંથી તેમના ગુજરાત પ્રવાસની શરૂઆત થશે.
ધીરેન્દ્ર શાસ્ત્રીના ગુજરાત પ્રવાસનો કાર્યક્રમ નીચે મુજબ છે.
– 25 મે અમદાવાદમાં બપોરે 3 વાગ્યે પહોંચશે
– 3 વાગ્યે વટવામા ઓશિયા મોલ સામે શિવ મહાપુરાણ કથામાં હાજરી આપશે
– કથા દરમિયાન ભક્તોને સંબોધનની સાથે આર્શીવાદ પણ આપશે
– 26 અને 27 મેના રોજ સુરતના લિંબાયતમાં દિવ્ય દરબાર યોજાશે
– 28 મેના રોજ અમદાવાદનાં ચાંદખેડા નજીક ઝુંડાલમાં કાર્યક્રમ
– 29 અને 30મેના રોજ અમદાવાદના ઘાટલોડિયામાં ચાણક્યપુરીમાં કાર્યક્રમ
– 1 અને 2 જૂન રાજકોટના રેસકોર્સ મેદાન પર દિવ્ય દરબાર યોજાશે
– 3 જૂને વડોદરામાં નવલખી મેદાનમાં દિવ્ય દરબાર યોજાશે
25 મેથી 3 જૂન સુધી ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતના જુદા જુદા શહેરોમાં ફરીને દિવ્ય દરબાર યોજશે.અમદાવાદ,વડોદરા,રાજકોટ,ગાંધીનગર અને સુરતમાં ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમો આજથી યોજાવાના છે.ત્યારે તેમની સાથે મોટી સંખ્યામાં તેમનો સુરક્ષા સ્ટાફ અને વિવિધ રાજ્યોમાંથી પણ ભક્તો આવી શકે છે.આ વચ્ચે લાખોની સંખ્યામાં ભક્તો પણ હાજર રહી શકે છે.આ માટે તેમની સુરક્ષા માટે 500થી વધુ ખાનગી બાઉન્સરો રાખવામાં આવશે,તો 1500થી વધુ સ્વયંસેવકો તેમજ હજારોની સંખ્યામાં પોલીસ કર્મચારીઓ પણ ખડેપગે રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ બાગેશ્વર બાબાને Y સિક્યોરિટી આપવામાં આવી છે.આ સાથે જ ધીરેન્દ્ર શાસ્ત્રીના આ તમામ કાર્યક્રમો નિઃશુલ્ક યોજાવાના છે.આ માટે મુલાકાતીઓ પાસેથી કોઈ ચાર્જ લેવામાં નહીં આવે.