અમદાવાદ,મંગળવાર : બાપુનગર ડાયમંડ માર્કેટ પાસે બ્રિજ નીચે પાર્ક કરેેલી આંગડિયા પેઢીને કારને સોમવારે મોડી રાતે કોઇક અજાણી વ્યક્તિ સળગાવીને ભાગી ગયો હતો.બાપુનગર પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની શોધખોળ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
આ કેસની વિગત એવી છે કે નિકોલમાં વેદ બંગલોઝ પાસે અષ્ટ મંગલ રેસિડેન્સી પાસે કેન્સવીલા ખાતે રહેતા અને બાપુનગર ડાયમંડ માર્કેટ ખાતે પી.શૈલેષ નામની આંગડિયા પેઢી ધરાવતા જીગ્નેશભાઇ પરષોત્તમભાઇ સુતરિયા (ઉ.વ.૩૮)એ બાપુનગર પોલીસ સ્ટેશનમાં અજાણી વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવી છે કે આંગડિયા પેઢીના કિમતી પાર્સલની હેેરાફેરી માટે તે એક કારનો ઉપયોગ કરતા હતા, આ કાર તેમનો ડ્રાઇવર ગઇકાલે રાતે ડાયમંડ માર્કટ બહાર બ્રિજ નીચે પાર્ક કરીને ઘરે ગયો હતો.
સોમવારે રાતે ૨ વાગે કોઇક અજાણી વ્યક્તિએ આવીને કાર નીચે પેટ્રોલ છાંટીને દિવાસળી ચાંપી દેતા જોત જોતામાં આખી કાર સળગવા લાગી હતી.આ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમે આવીને આગ બુઝાવી દીધી હતી.આ ઘટનાની જાણ થતાં ફરિયાદી મોડી રાતે દોડી આવ્યા હતા અને ઓફિસમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં તેમાં એક અજાણ્યો યુવક જવલનશીલ પદાર્થે છાંટીને કારને સળગાવીને નાસી ગયો હતો. આ બનાવ અંગે બાપુનગર પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.