– આ કેસમાં ભાજપ નેતા એલ.કે. અડવાણી અને મુરલી મનોહર જોષી સહિતના અનેક ચર્ચિત ચહેરા આરોપીઓ છે
નવી દિલ્હી, તા.૯: સુપ્રીમ કોર્ટે અયોધ્યામાં ૧૯૯૨માં રાજ જન્મભૂમિ-બાબરી મસ્જિદનુ વિવાદિત માળખું તોડી પાડવાની ઘટના સાથે સંબંધિત કેસની સુનાવણી પૂરી કરવા માટેની ખાસ અદાલતનો કાર્યકાળ ત્રણ મહિના વધાર્યો છે.સુપ્રીમ કોર્ટે આ વિવાદિત કેસની ટ્રાયલ ઓગસ્ટ માસ સુધી પૂરી કરવાની સમયમર્યાદા બાંધી છે.કોર્ટે આ કેસની સુનાવણી હાથ ધરી રહેલા ન્યાયમૂર્તિ એસ.કે.યાદવને અગાઉ ૩૦ એપ્રિલ સુધી ટ્રાયલ પૂરી કરવા જણાવાયું હતું. હવે એ કામ માટે ૩૧ ઓગસ્ટ સુધીનો સમય આપવામાં આવ્યો છે.આ કેસમાં ભાજપ નેતા એલ.કે.અડવાણી અને મુરલી મનોહર જોષી સહિતના અનેક ચર્ચિત ચહેરા આરોપીઓ છે.સુપ્રીમ કોર્ટની ન્યાયમૂર્તિ રોહિંટન નરીમતના નેતૃત્વયુકત બેન્ચે ખાસ જજને કહ્યું કે તેઓ વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબંધિત પક્ષકારનું નિવેદન નોંધી શકે છે.સુનાવણીનું કામ ૩૧ ઓગસ્ટ સુધી પૂરૃં થઇ જાય એ જોવા જણાવાયું છે.અગાઉ,ખાસ જજે ટ્રાયલ પૂરી કરવા માટે સમય મર્યાદા વધારવા સુપ્રીમ કોર્ટને પત્ર લખ્યો હતો.સુપ્રીમ કોર્ટે ગઇ તા.૧૯ જુલાઇએ છ મહિનામાં નિવેદન નોંધવાનો આદેશ કર્યો હતો,જેનું પાલન સજોગવશાત થઇ શકયું નથી.
કોર્ટે ૧૯ એપ્રિલ,૨૦૧૭ના રોજ જણાવ્યું હતું કે ખાસ જજ બે વર્ષોમાં કેસની સુનાવણી પૂરી કરે અને ન્યાયમૂર્તિની ટ્રાન્સફર કરવામાં આવે નહિં.બાબરી મસ્જિદ વિધ્વંસ કેસના આરોપીઓમાં એલ.કે.અડવાણી,ડો.મુરલી મનોહર જોષી ઉમા ભારતી,ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન,રાજસ્થાનના પૂર્વ રાજયપાલ કલ્યાણ સિંદ્ય,પૂર્વ સાંસદ વિનય કટિયાર અને સાધ્વી ઋતુંભરાનો સમાવેશ થાય છે.અન્ય બે આરોપીઓ વિશ્વ હિંદુ પરિષદના નેતા અશોક સિંધલ અને વિષ્ણુ હરિ દાલમિયાનું અવસાન થયું છે.આથી એમની સામેની કાર્યવાહી બંધ કરાઇ છે.૬ ડિસેમ્બર, ૧૯૯૨ ના દિવસે કાર સેવકોએ અયોધ્યાની બાબરી મસ્જિદનો વિવાદિત માળખું તોડી પાડયું હતું.એ વખતે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન કલ્યાણસિંદ્ય હતા.આ માળખું તોડી પડાયું એ અગાઉ કલ્યાણસિંદ્યે સુપ્રીમ કોર્ટને હૈયાધારણ આપી હતી કે બાબરી મસ્જિદનો નુકસાન નહિ થવા દેવાય પરંતુ તેઓ વચન નિભાવી શકયા નહિ.