‘બાબા કા ઢાબા’ના માલિક કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયત્ન કર્યો છે.ત્યારબાદ તેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.કાંતા પ્રસાદે આત્મહત્યાનો પ્રયત્ન કયા કારણોસર કર્યો તે સામે આવ્યું નથી.રિપોર્ટ પ્રમાણે કાંતા પ્રસાદને તાત્કાલિક સફદરજંગ હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે,જ્યાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે.પોલીસે આ ઘટનાની તપાસ શરૂ કરી છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીના માલવીય નગરના બાબા કા ઢાબાની કહાની સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઇ હતી.બાબા કા ઢાબાના માલિક કાંતા પ્રસાદનો રડતો વિડીયો વાયરલ થયો હતો,ત્યારબાદ તેઓ ચર્ચામાં આવ્યા હતા.લોકડાઉનના લીધે તેમનો ઢાબો ચાલતો નહોતો તેવી વાત તેમણે પોતાના વિડીયોમાં કહી હતી.ત્યારબાદ ગૌરવ વાસન નામના એક યુટ્યુબરે બાબા કા ઢાબાને લઇ એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીયો એટલી ઝડપથી વાયરલ થયો કે કાંતા પ્રસાદની મદદ માટે હજારો લોકો આગળ આવી ગયા હતા.
બાબા રાતોરાત લખપતિ થઇ ગયા હતા.લખપતિ થતા જ કહાનીમાં ટ્વિસ્ટ ત્યારે આવ્યો જ્યારે બાબાએ યુટ્યુબર ગૌરવ પર આરોપ લગાવ્યો કે તેણે પૈસામાં ગડબડી કરી છે.એટલું જ નહીં બાબાએ ગૌરવની સામે એફઆઇઆર નોંધાવી હતી.પૈસા આવ્યા તો કાંતા પ્રસાદે સાઉથ દિલ્હીના માલવીય નગરનો ઢાબો છોડીને રેસ્ટોરન્ટ પણ ખોલી દીધી હતી.જો કે કાંતા પ્રસાદ ફરી એકવાર પોતાના ઢાબા પર આવી ગયા હતા.ત્યારબાદ ગૌરવ વાસન પણ કાંતા પ્રસાદને મળ્યો હતો અને આ દરમિયાન કાંતા પ્રસાદ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડ્યા હતા.