ભક્તિના આવા જ જુસ્સા સાથે અમરનાથના રસ્તા પર ફસાયેલા જામનગરના આઠ મિત્રો કહે છે કે શુક્રવારની દુર્ઘટના પછી ઘણા લોકોએ સલાહ આપી કે પાછા ફરી જાવ,પણ અમે તો ડર્યા વિના દર્શન કરવાનું મન બનાવી લીધું છે જમ્મુ-કાશ્મીરમાં અમરનાથની ગુફા પાસે બનેલી દુર્ઘટના બાદ ભયનો માહોલ ઊભો થયો છે.દુર્ઘટના બાદ ગભરાટના માર્યા લોકો કહેતા હતા કે પાછા વળી જજો,ત્યારે ગુજરાતના જામનગરથી બાબા બર્ફાનીનાં દર્શન કરવા ગયેલા આઠ મિત્રો સુરક્ષિત છે અને તેમણે ડર્યા વગર આગળ વધવાનું મન બનાવી લીધું છે.તેઓ મક્કમપણે કહી રહ્યા છે કે અમે મન મજબૂત કરીને ભગવાન અમરનાથજીનાં દર્શન કરીને જ પાછા આવીશું.શુક્રવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અમરનાથની ગુફા પાસે આભ ફાટતાં ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ હતી.પાણીના ધસમસતા પ્રવાહમાં કેટલાય ટેન્ટ તણાઈ ગયા હતા.
આ ઘટનાને પગલે યાત્રા સ્થગિત કરી દેવામાં આવી છે ત્યારે હજારો યાત્રાળુઓમાં ગુજરાતી યાત્રાળુઓ પણ અમરનાથના માર્ગમાં ફસાઈ ગયા છે.જોકે આમાંના ઘણા યાત્રાળુઓ સલામત છે.જામનગરથી અમરનાથની યાત્રાએ ગયેલા આઠ મિત્રોમાંના તેજસસિંહ જાડેજાએ અમરનાથની ગુફા પાસે બનેલી ઘટના વિશે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમે બધા અત્યારે શેષનાગમાં છીએ અને સુરક્ષિત છીએ.અમને અહીં ટેન્ટમાં રાખવામાં આવ્યા છે.
આ સ્થળ અમરનાથની ગુફાથી થોડે દૂર છે અને હજી અમારે દર્શન કરવાનાં બાકી છે.આ ઘટના બની ત્યારે અમે અમરનાથ ગુફાથી દૂર હતા. જે લોકો ગુફા પાસેથી આવ્યા છે તેઓ બધા એમ કહી રહ્યા હતા કે વાદળ ફાટ્યું હતું અને દુર્ઘટના સર્જાઈ હતી.પાણી ટેન્ટમાં ઘૂસી ગયાં હતાં અને દોડધામ મચી ગઈ હતી.ત્યાંથી આવેલા લોકોએ અમને કહ્યું હતું કે પાછા વળી જજો,મુશ્કેલી છે.જોકે અમે બધા મિત્રોએ નક્કી કર્યું છે કે અમે દર્શન કરવા જઈશું અને એમાં કોઈ પાછીપાની કરીશું નહીં.મારી સાથે હિરેન સોની,અરવિંદસિંહ રાણા,શિવરાજસિંહ રાણા,સત્યપાલસિંહ રાણા,જયપાલસિંહ રાણા,શશીરાજસિંહ ઝાલા અને જિજ્ઞેશભાઈ છે. આ ઘટનાથી અમે ડર્યા નથી અને મન મજબૂત રાખીને યાત્રા પૂરી કરીશું અને અમરનાથ બાબાનાં દર્શન કરીને આવીશું.હાલમાં તો યાત્રા બંધ કરી દીધી છે,પણ કાલે ચાલુ થઈ જશે.’