નવી દિલ્હી,તા. 30 : હજુ સપ્તાહે જ કોરોના સામે રામબાણ ઇલાજ જેવી આયુર્વેદ આધારીત કોરોલીન દવા લોન્ચ કર્યા બાદ સર્જાયેલા વિવાદમાં અંતે બાબા રામદેવનાં પતંજલિ આયુર્વેદે યુ ટર્ન લેતા જણાવ્યું હતું કે કોરોલીન એ કોઇ કોરોનાની દવા નથી પરંતુ ફક્ત રોગ પ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદની ઔષધી છે અને અમે કદી કોરોલીન એ કોરોના માટેની દવા છે એવો દાવો કર્યો નથી.
ઉત્તરાખંડ સરકાર દ્વારા પતંજલિ આયુર્વેદને ફટકારાયેલી નોટીસ બાદ આજે કંપની દ્વારા આ ખુલાસો કરવામાં આવ્યો છે. યોગગુરુ બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ દ્વારા ગત સપ્તાહે એક પત્રકાર પરિષદ બોલાવીને તેમાં ધૂમધડાકા સાથે કોરોલીનનું લોન્ચીંગ કરવામાં આવ્યું હતું અને તે સામે કોરોના સામે અસરકારક સાબિત થઇ હોવાનું પણ જણાવાયું હતું તથા તેની ક્લીનીકલ ટ્રાયલ પણ થઇ હોવાનો દાવો કરાયો હતો.જેની સામે તૂર્ત જ પ્રશ્ન ઉઠ્યા હતાં.
આ દવાનો ક્યા અને કઇ રીતે ક્લીનીકલ ટ્રાયલ થયું તેના પૂરાવા રજૂ કરવા બાબા રામદેવ સામે પડકાર સર્જાયો હતો તથા અનેક રાજ્યોએ આ દવાના વેચાણ પર પણ પ્રતિબંધ મુકી દીધો હતો અંતે ઉત્તરાખંડ આયુષ વિભાગ કે જ્યાં બાબા રામદેવના પતંજલિ આયુર્વેદ કંપનીનું વડુ મથક છે તેના દ્વારા નોટીસ ફટકારીને આ દવાના દસ્તાવેજો ક્લીનીકલ ટ્રાયલના પુરાવા વગેરે રજૂ કરવા જણાવાયું હતું પરંતુ તેના જવાબમાં પતંજલિએ એવું જણાવ્યું છે કે,કોરોલીન એ કોરોના માટે છે તેવું અમે કદીએ જાહેર કર્યું છે.
આ એક રોગ પ્રતિકારકશક્તિ વધારતી આયુર્વેદીક ઔષધી છે અને તેનાથી કોરોનાના સંક્રમણની શક્યતા ન રહે તેવું માનીએ છીએ. જો કે તે માટે કોઇ પ્રયોગ કે ટ્રાયલ થઇ નથી.બાબા રામદેવની કંપનીએ આ દવા બનાવવા માટે કોઇ લાયસન્સ પણલીધું ન હતું અને ફક્ત ઇમ્યુનિટ બુસ્ટર તરીકે કોરોલીનને રજૂ કરવામાં આવી હતી.આમ બાબા રામદેવની દવાનો ધબડકો થઇ ગયો છે.