બારડોલી : બારડોલી શહેરના તાઈવાડમાં શહેરનો એક માત્ર કોરોનાનો કેસ આવ્યા બાદ સમગ્ર તાઈવાડ વિસ્તારને કલસ્ટર કન્ટેઇન્મેન્ટ જાહેર કરવામાં આવ્યો હતો.છેલ્લા 21 દિવસમાં એક પણ નવો કેસ આવ્યો ન હોય આ વિસ્તારને કન્ટેઇન્મેન્ટ ઝોનમાંથી મુક્ત કરવામાં આવ્યો છે.
બારડોલી શહેરમાં ગત 9મી મેના રોજ અમદાવાદથી આવેલી મહિલાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા બાદ તાઈવાડ વિસ્તારને કલસ્ટર કન્ટેઇન્મેન્ટ જાહેર કરી ચારેય બાજુથી સીલ કરી દેવામાં આવ્યો હતો.જેને કારણે આ વિસ્તારના લોકો બહાર પણ નીકળી શકતા ન હતા.દરમ્યાન દસ દિવસની સારવાર બાદ મહિલા સ્વસ્થ થઈને પરત પોતાના ઘરે ફરી હતી.પરંતુ 21 દિવસ સુધી કલસ્ટર કન્ટેઇન્મેન્ટનું જાહેરનામું અમલમાં હોય લોકો બહાર નીકળી શકતા ન હતા.કોરોનાનો કેસ આવ્યાને 21 દિવસ પૂર્ણ થયા હોય જિલ્લા વિકાસ અધિકારી દ્વારા શનિવારના રોજ આ જાહેરનામું પરત ખેંચી લેવામાં આવ્યું છે.આથી હવે તાઈવાડના લોકો પણ છૂટથી બહાર નીકળી શકશે.છેલ્લા 21 દિવસથી ગોંધાય રહેલા વિસ્તારના લોકોએ જાહેરનામું પરત ખેંચી લેવાતા રાહતનો શ્વાસ લીધો હતો.


