બારડોલી : સુરત જિલ્લાના બારડોલીના ધૂલિયા ચાર રસ્તા નજીકથી એલસીબી પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપી પાડ્યો હતો.આ વિદેશી દારૂનો જથ્થો દમણથી ભરી બારડોલી થઈ સુરત શહેરમાં લઈ જવામાં આવી રહ્યો હતો. એલસીબી પોલીસે 1.24 લાખના વિદેશી દારૂ સહિત કુલ 6.28 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ બારડોલી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી.તે દરમ્યાન બાતમી મળતા તેમણે બારડોલીના ધુલિયા ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી.તે દરમ્યાન બાતમી મુજબની આઈ-20 કાર નંબર જીજે-19-એ.એમ-8241 આવતા તેને અટકાવી હતી અને ચાલકને નીચે ઉતારી કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૂની કુલ 1344 નંગ બોટલ કિંમત રૂ. 1,24,800 નો જથ્થો મળી આવ્યો હતો.પોલીસે કાર ચાલક સાદીક કલીમ કુરેશી (રહે, એસ.એન.રેસીડન્સી, હલધરુંગામ, તા-કામરેજ) ની ધરપકડ કરી હતી. આ વિદેશી દારૂનો જથ્થો દમણથી કારમાં ભરી મહુવા બારડોલી થઈ સુરત શહેરમાં લઈ જવામાં આવી રહયો હતો.પોલીસે વિદેશી દારૂ,કાર તેમજ રોકડ રકમ અને મોબાઈલ ફોન મળી કુલ રૂ. 6,28,300 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આ વિદેશી દારૂ ભરી આપનારને વોંટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.