કોરોનાના પગલે જીવન જરૂરી ચીજવસ્તુઓની અછત નહીં વર્તાય: બારડોલી પ્રાંત
બારડોલી
કોરોના વાઇરસને લઈ બારડોલીનું તંત્ર સતર્ક થઈ ગયું છે. બારડોલી એસડીએમ તથા નગરપાલિકા તંત્ર દ્વારા તકેદારી માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે. બારડોલીના વહીવટી તંત્ર દ્વારા આવનારી પરિસ્થિતીને પહોંચી વળવા માટે કોરોન્ટાઈન માટે 1000 જેટલા રૂમની સગવડ કરી દેવામાં આવી છે અને બીજા જરૂરિયાત મુજબ 1000થી1500 રૂમ તૈયાર કરવાની તજવીજ પણ તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. શુક્રવારના રોજ બારડોલી નગરપાલિકા ખાતે એસડીએમ વી.એન.રબારીએ પત્રકારો સાથેની વાતચીતમાં ઉપરોક્ત માહિતી આપી હતી. બે દિવસથી ગુજરાતમાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસો સામે આવતા બારડોલીમાં પણ લોકોમાં હાઉ ઊભો થયો છે. બજાર બંધ રહેવાની અફવાએ પણ જોર પકડ્યું છે. ત્યારે બારડોલી એસ.ડી.એમ. અને પ્રાંત અધિકારી વી.એન. રબારીએ લોકોને જીવન જરૂરી ચીજવસ્તુઓ સરળતાથી મળી રહેવાની હોય ખોટી અફવાથી ન ભરમાવવા અપીલ કરી છે. પ્રાંત અધિકારીએ બારડોલી અને માંડવીના વેપારી એસોસિએશન સાથે બેઠક કરી તેઓને જરૂરી સૂચનો આપ્યા હતા. સાથે જ પરિસ્થિતીનો લાભ ઉઠાવી નફાખોરી ન કરવા માટે પણ સૂચના આપી હતી. મિટિંગ બાદ પ્રાંત અધિકારી વી.એન. રબારીએ એક વિડીયો જારી કર્યો હતો. જેમાં તેમણે બારડોલી અને માંડવી સબ ડિવિઝન વિસ્તારના લોકોને અપીલ કરતાં જણાવ્યુ છે કે જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે દૂધ, શાકભાજી, અનાજ કરિયાણા સહિતની વસ્તુઓ બાબતે જે પેનિક ઊભું કરવામાં આવ્યું છે તે બિલકુલ ખોટું છે. તેમણે કહ્યું કે તંત્ર જીવન જરૂરિયાતની વસ્તુનો પુરવઠો યથાવત રહે તે માટે કટિબદ્ધ છે. આ ઉપરાંત તેમણે રવિવારના રોજ પ્રધાનમંત્રી દ્વારા જનતા કરફ્યુની જે વાત કરવામાં આવી છે તેનો સંપૂર્ણ અમલ કરવા માટે લોકો અપીલ કરી હતી. જિલ્લા કલેક્ટર દ્વારા આજથી જ કલમ 144 લાગુ કરી દેવામાં આવી હોય ચારથી વધુ વ્યક્તિઓ ભેગા થવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત મુસ્લિમ સમાજના લોકોને પણ ઘરમાં જ નમાજ અદા કરવાની સૂચના આપવામાં આવી હતી. શુક્રવારની નમાજમાં પણ રવિવારે રોજ લોકોને બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી. બારડોલીમાં તંત્ર દ્વારા કોરોન્ટાઈન માટે 1000 રૂમ તૈયાર રાખવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરતમાં કોરોના પોઝિટિવ કેસ આવતા જ બારડોલીના લોકોમાં પણ દહેશત ફેલાય છે. જેને લઈને તંત્ર સાબદું થઈ ગયું છે. નગરપાલિકા ખાતે બોલાવવામાં આવેલી પત્રકાર પરિષદમાં ડીવાયએસપી રૂપલ સોલંકી, મામલતદાર જીજ્ઞા પરમાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જો કે પાલિકા પ્રમુખ, કારોબારી અધ્યક્ષ સહિતના હોદ્દેદારો ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા.નગરપાલિકા કચેરીમાં આવતા લોકોને સેનેટાઇઝરથી હાથ ધોયા બાદ જ પ્રવેશ
બારડોલી નગરપાલિકા દ્વારા પણ કોરોનાને લઈને સતત કાળજી રાખવામાં આવી રહી છે. પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કચેરીની મુલાકાતે આવતા લોકોને પ્રવેશદ્વાર પર જ સેનેટાઇઝરથી હાથ સાફ કર્યા બાદ જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. તો કર્મચારીઓ પણ માસ્ક પહેરીને કામકાજ કરતાં નજરે પડી રહ્યા છે.
વાઇરસના ભય વચ્ચે પણ બાયોમેટ્રિક મશીનમાં પુરાય છે હાજરી
બારડોલી નગરપાલિકા દ્વારા કોરોનાથી બચવા માટે ભલે કાળજી રાખવામાં આવી રહી હોય પરંતુ કર્મચારીઓની હાજરી હજી પણ બાયોમેટ્રિક મશીન પર જ પુરવામાં આવી રહી છે. બાયોમેટ્રિક મશીન કર્મચારીઓ અંગૂઠા લગાવીને હાજરી પૂરતા હોય વાઇરસ ફેલાવા શક્યતા વધુ છે. ત્યારે હાલ પૂરતી હાજરી રજીસ્ટરમાં પુરાય તેવી જરૂરિયાત ઊભી થઈ છે.
બારડોલીમાં ઇન્ફેકટેડ લોકોને કોરોન્ટાઈન કરવા 1000 રૂમ તૈયાર કરાયા

Leave a Comment