બારડોલી : બારડોલી સહિત સુરત જિલ્લામાં શુક્રવારના રોજ સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. બારડોલીમાં સવારે 6 થી સાંજે 6 વાગ્યા દરમ્યાન 1.10 ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.જેને કારણે શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા.વિઝિબિલિટી ઓછી થઈ જતાં વાહન ચાલકને વાહન ચલાવવું પણ મુશ્કેલ બન્યું હતું.જ્યારે સતત ત્રીજા વર્ષે શાસકોની બેદરકારીને કારણે શામરિયા મોરા વિસ્તારમાં તેમજ આશાપુરા મંદિર પાસે પાણી ભરાય જતાં RTO અને મરી માતા મંદિર તરફ જતો રસ્તો બંધ થઈ જતાં વાહન ચાલકોને હાલાકી વેઠવી પડી હતી.
બારડોલીમાં સવારથી જ ઝરમર ઝરમર વરસાદ શરૂ થયો હતો.11 વાગ્યા બાદ ધમાકેદાર વરસાદ વરસવાનો શરૂ થયો હતો.બપોર બાદ થોડીવાર વરસાદ બંધ રહ્યા બાદ સાંજે 4 વાગ્યા પછી ધમાકેદાર બેટિંગ શરૂ કરી હતી.રસ્તાઓ પર પાણી પાણી થઈ ગયું હતું.બારડોલીથી કડોદ જતાં રાજ્ય ધોરીમાર્ગ પર ધામડોદ ગામની સીમમાં અનેક જગ્યાએ પાણી ભરાય ગયા હતા.જ્યારે નગરપાલિકાના અધિકારીઓ અને નેતાઓના પાપે ફરી એક વખત શહેરના શામરીયા વિસ્તારના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી આવી સ્થિતિ સર્જાય હતી.
આશાપૂરા માતા મંદિર નજીક કમરસમા પાણી ભરાય જતાં વાહન વ્યવહારને અસર પહોંચી હતી.આશાપુરા માતા મંદિરથી RTO તરફ અને મરી માતા મંદિર તરફ જતાં રોડ પર પાણી ફરી વળ્યા હતા.આ ઉપરાંત અન્ય કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પણ પાણી ભરાય ગયા હતા.ગાંધીરોડ પર આશિયાના નગરના પાટીયા પાસે પાણી નિકાલ નહીં થઈ શકતા પાણીનો ભરાવો થયો હતો.જેને કારણે લોકોએ હાલાકી વેઠવી પડી હતી.


