બારડોલી : બારડોલી સહિત જિલ્લામાં ફેસબુક પર વિડીયો કોલ કરી ઓનલાઈન હનીટ્રેપના બનાવો વધી રહ્યા છે.એક પછી એક લોકોના વિડીયો વાઇરલ થઈ રહ્યા હોય હવે આ વિસ્તારમાં ફફડાટ ફેલાય ગયો છે અને તેની સાથે જ વિસ્તારના રાજકીય આગેવાનો પણ સક્રિય બન્યા છે.ગૃહ મંત્રી સહિત સુરત રેન્જ આઈ.જી.ને આ મામલે રજૂઆત થયા બાદ હવે સમગ્ર પ્રકરણ મામલે સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઈ હોવાનું જાણવા મળે છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાનું હાર્દ ગણાતું બારડોલી નગર હાલ ચર્ચાના ચકડોળે છે.અહીં ઓનલાઈન વિડીયો દ્વારા હનીટ્રેપના અનેક કિસ્સાઓ બહાર આવી રહ્યા છે.બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1ના નગરસેવક દક્ષેશ શેઠનો વિડીયો વાઇરલ થયા બાદ આ પ્રકારના અનેક વિડીયો એક પછી એક બારડોલી પ્રદેશમાં વાઇરલ થઈ રહ્યા હોય ઓનલાઈન હનીટ્રેપ ગોઠવી છેતરપિંડી ટોળકીએ તરખાટ મચાવ્યો હોવાનું ચોક્કસપણે કહી શકાય તેમ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દક્ષેશ શેઠ સહિત આ પ્રકારની એમ.ઑ.થી છેતરાયેલા વ્યક્તિઓ રજૂઆત કરવા માટે રેન્જ આઈ.જી.ની ઓફિસે પહોંચ્યા છે.બારડોલીના એક સ્થાનિક વેપારીએ સ્થાનિક કક્ષાએ ફરિયાદ કરી હોવા છતાં સાઇબર ક્રાઇમના આ ગુનામાં સ્થાનિક પોલીસને ખાસ કોઈ મોટી સફળતા મળી નથી.જેના પગલે હવે એક તરફ સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે.બારડોલી નગરમાં હાલમાં એક ચર્ચા સામાન્ય છે કે હવે પછી કોનો વિડીયો વાઇરલ થશે.આ સ્થિતિને ધ્યાનમાં લઈ બારડોલીના સ્થાનિક રાજકીય નેતાઓ સક્રિય બન્યા છે.કહેવાય છે કે સ્થાનિક આગેવાને આ મુદ્દે ગૃહમંત્રી પ્રદીપસિંગ જાડેજાને પણ રજૂઆત કરી છે.બીજી તરફ રેન્જ આઈ.જી.ને પણ મૌખિક રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા સૂચના આપી છે.આ ગંભીર ઘટનાને ધ્યાનમાં લઈ દહેશતનો માહોલ છે.ત્યારે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ સમગ્ર પ્રકરણની તપાસ મામલે સુરત લોકલ ક્રાઇમ બ્રાન્ચ સક્રિય થઈ ગઈ છે.સાઇબર ક્રાઇમની ટીમ પણ સમગ્ર મુદ્દે સક્રિય બની હોવાનું ચર્ચા ચાલી રહી છે.જો કે એક પછી એક વિડીયો બહાર આવી રહ્યા છે.જેને જોતાં આ ટોળકીએ બારડોલી પ્રદેશમાં મોટા પ્રમાણમાં લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હોય તેવી શક્યતા દેખાઈ રહી છે.
જિલ્લા પોલીસ જણાવ્યુ હતું કે, હાલ સુધી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી
સુરત જિલ્લા પોલીસ વડા ઉષા રાડાએ જણાવ્યુ હતું કે, હાલ સુધી કોઈ ફરિયાદ અમારી પાસે આવી નથી પરંતુ અમારી ટીમ ખાનગી રાહે આ મામલે તપાસ કરી રહી છે.
એક જ વિડીયોનો થઈ રહ્યો છે ઉપયોગ
એક જ વિડીયોનો થઈ રહ્યો છે ઉપયોગ બારડોલી વિસ્તારમાં હાલ 5 થી સાત વિડીયો વાઇરલ થઈ રહ્યા છે.જે પૈકી નગરસેવકનો વાઇરલ થયેલા વિડીયોમાં સામે પક્ષે અશ્લીલ ચેનચાળા કરતી યુવતીનો વિડીયો જે છે એ જ વિડીયો અન્ય બે યુવાનો થયેલી છેતરપિંડીમાં પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.ખરેખર સામે કોઈ મહિલા કે યુવતી હોતી નથી પરંતુ સ્ક્રીન પર જ એકના વિડીયો દ્વારા અનેક લોકોને છેતરવામાં આવી રહ્યા છે


