બારડોલી,
બારડોલીમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર ‘બારડોલીમાં એક પોઝિટિવ’ એવો ખોટો મેસેજ વાઇરલ કરનાર તબીબ વિરુદ્ધ બારડોલી પોલીસ મથકમાં ગુનો નોંધાતા ચકચાર મચી ગઈ છે.સાથે જ સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ વાઇરલ કરનારાઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર હાલ કોરોના વાઇરસને કારણે સમગ્ર દેશમાં લોકડાઉનની સ્થિતિ છે.સરકાર દ્વારા અનેક પ્રવૃતિઓ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. જેમાં સોશિયલ મીડિયામાં ખોટો મેસેજ વાઇરલ કરી અફવા ફેલાવનાર સામે પણ કડક કાર્યાવહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે.જો કે તેમ છતાં લોકો દ્વારા કોરોના અંગે અનેક અફવા ફેલાતા મેસેજો વાઇરલ કરવામાં આવી રહ્યા છે.જેને કારણે સમાજમાં ભયનો માહોલ પેદા થઈ રહ્યો છે.આવો જ એક બનાવ બારડોલીમાં બન્યો હતો. શુક્રવારના રોજ બારડોલીની જનતા નગર સોસાયટીમાં 121 નંબરના ઘરમાં રહેતા અને તબીબના વ્યવસાય સાથે સંકળાયેલા ડૉ.ધવલ પ્રવીણભાઈ ચૌહાણે એક વોટ્સએપ ગ્રૂપમાં ‘બારડોલીમાં એક પોઝિટિવ’ એવો મેસેજ વહેતો કર્યો હતો.આ મેસેજ અંગેની જાણ બારડોલી પોલીસને થતાં પોલીસે તાત્કાલિક ખોટા મેસેજ થકી સમાજમાં ભય અને અફરાતફરીનો માહોલ ઊભો કરવા બદલ ડૉ.ધવલ ચૌહાણ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.પોલીસે તબીબની તેના ઘરેથી જ ધરપકડ પણ કરી હોવાનું જાણવા મળે છે. એક તબીબે આવી ચેષ્ટા કરતાં લોકોમાં ભારે ચર્ચા ચાલી હતી.ઉચ્ચ ડિગ્રીધારી માણસો જ જો હાલની સ્થિતિને સમજી શકતા ન હોય તો સામાન્ય માણસ તો ક્યાંથી સમજશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું.જો કે તબીબની ધરપકડ થઈ હોવાની ચર્ચાએ જોર પકડાતાં સમગ્ર મુદ્દો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.