બારડોલી : બારડોલીમાં ગણેશ વિસર્જનને લઈ વિવાદ ચાલી રહ્યો છે.વહીવટી તંત્રએ પણ અધિક જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામું છતાં કુદરતી તળાવમાં ગણપતિનું વિસર્જન કરવાની તૈયારી કરી છે.ત્યારે એક સંગઠન દ્વારા નદીમાં જ વિસર્જન કરવા અંગે સોમવારના રોજ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.સત્ય સાઈ હોસ્પિટલના હૉલમાં આયોજિત આ બેઠકના બે આયોજકો સામે બારડોલી પોલીસે જાહેરનામા ભંગ અને ચેપી રોગ ફેલાવવાનું કૃત્ય કરવા બાબતે ફરિયાદ નોંધતા ફફડાટ વ્યાપી ગયો છે.
આ અંગે મળતી માહિતી અનુસાર બારડોલી શહેરમાં છેલ્લા ત્રણ ચાર વર્ષથી ગણેશ વિસર્જનને લઈને વિવાદ થતો આવ્યો છે.મીંઢોળા નદીમાં વિસર્જન નહીં કરવાના ફરમાન બાદ માત્ર કૃત્રિમ તળાવમાં જ વિસર્જન કરવામાં આવી રહ્યું છે.પરંતુ આ વખતે બારડોલી વહીવટી તંત્રએ તેન ખાતે આવેલા કુદરતી તળાવમાં વિસર્જનની મંજૂરી આપી દેતાં ફરી એક વખત વિવાદ થયો છે.હજી આ વિવાદ શમ્યો નથી ત્યાં એક સંગઠન દ્વારા ગત 13મી સપ્ટેમ્બરના રોજ શાસ્ત્રી રોડ પર આવેલી સત્ય સાઈ હોસ્પિટલના હૉલમાં બેઠક બોલાવી હતી અને ગણેશ મંડળોને ગણેશ વિસર્જન નદીમાં જ કરવાની સૂચના આપી રહ્યા હોવાનો વિડીયો પણ સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો હતો.જે પોલીસને ધ્યાને આવતા બેઠક અંગે કોઈ પણ જાતની પરવાનગી લીધી ન હોય તેમજ બેઠકમાં માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સનું પાલન થયું ન હોય આઇપીસી 188 મુજબ જાહેરનામા ભંગ અને આઇપીસી 269 મુજબ ચેપીરોગ ફેલાવવાનું કૃત્ય કરવા બદલ કૃણાલ મહેશ પટેલ (રહે વૃંદાવન વિલા, તેન, તા. બારડોલી) તેમજ જીવેશ રાકેશ પટેલ (રહે કાન ફળિયું, બારડોલી)ની સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.