બારડોલી : સુરત જિલ્લાના બારડોલી નગરમાં ગત 26 એપ્રિલ 2018ના રોજ એક 15 વર્ષીય સગીરાને એમ.એન.પાર્ક નજીકથી પરિચિત યુવાન ચાલ તને ઘરે મૂકી આવું એક કહી રિક્ષામાં બેસાડીને બારડોલીના એક શોપિંગ સેન્ટરમાં એક જ્વેલર્સની દુકાનમાં લઈ ગયા બાદ પરિચિત યુવાન તથા તેના બે મિત્રોએ વારંવાર બળાત્કાર ગુજારી સગીરાને બીજા દિવસે સવારે તેના ઘરે મૂકી આવ્યો હતો.આ ઘટનામાં બારડોલી પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ તેમજ પોકસોની કલમ મુજબ નોંધાયેલા ગુનાની ચાર્જશીટ સુરતની સ્પેશલ સેશનકોર્ટમાં રજૂ કર્યા બાદ થયેલી સુનાવણી દરમ્યાન ત્રણે આરોપીને કોર્ટે દોષી ઠેરવી આજીવન કેદની સજા ફટકારી હતી.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લાના બારડોલી નગર ખાતે રહેતી એક 15 વર્ષીય સગીરા ગત 26 એપ્રિલ 2018ના રોજ એમ.એન.પાર્ક નજીક આવેલ દુકાનમાં કુરકુરે લેવા ગઈ હતી.જ્યાંથી રાત્રે 8:30 વાગ્યે ઘરે પરત ફરી રહી હતી.ત્યારે તેમના જ ફળિયામાં રહેતો નરેશ ઉર્ફે અજય ધર્મા જાવડે (ઉ.વ.20) નાઓ રિક્ષામાં ત્યાં આવ્યો હતો.અને સગીરાને જણાવ્યુ હતું કે ચાલ તને ઘરે મૂકી આવું તેમ કહી સગીરાને રિક્ષામાં બેસાડી પહેલા ચામુંડા હોટલ ખાતે લઈ ગયો હતો.ત્યાંથી બારડોલી મદીના માર્કેટ ખાતે લઈ ગયો હતો જ્યાં તેનો મિત્ર છોતુ પ્રશાંત મૂડી (ઉ.વ.22) (રહે, પાકિઝા શોપિંગ સેન્ટર, બારડોલી) તેમજ આકાશ અંબુભાઇ રાઠોડ (ઉ.વ.19)(રહે, માંગીફળિયું,બારડોલી) નાઓ સાથે એક જ્વેલર્સની દુકાનમાં લઈ ગયા હતા. જ્યાં પહેલા અજયે સગીરાની મરજી વિરુદ્ધ અવાર નવાર શરીર સંબંધ બાંધ્યા હતા.ત્યારબાદ છોતુ અને આકાશે પણ શરીર સંબંધ બાંધ્યા હતા. આઅંગે બારડોલી પોલીસ સ્ટેશનમાં ગેંગરેપ, અપહરણ અને પોકસો મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો.જેની તપાસ તત્કાલિન બારડોલી પી.આઈ એન.એસ.ચૌહાણે કરી હતી.તપાસ દરમ્યાન મેડિકલ પુરાવા તેમજ સગીરાનું મેજિસ્ટ્રેટ રૂબરૂ 164 મુજબ નિવેદન લીધું હતું.ત્યારબાદ પોલીસે ભોગ બનનારના નિવેદનના આધારે ટેકનિકલ પુરાવા જેમાં સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. અને તપાસ પૂર્ણ કરી સુરત એડિશનલ સેશન કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી. જ્યાં કેસની સૂનાવણી થતાં સરકાર તરફી પી.પી આર.પી.ડોબરિયાએ દલીલ કરી હતી.અને અંતે એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન જજ અમૃત. એમ. ધમાણી એ હુકમ કરી ત્રણે આરોપીને વિવિધ કલમો હેઠળ દોષી ઠેરવ્યા હતા.જેમાં 366 મુજબ 10 વર્ષની સાદી કેદ અને એક હજાર રૂપોયાનો દંડ, 376(2) મુજબ દોષી ઠેરવી 14 વર્ષની કેદની સજા તેમજ પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.