રાજ્યમાં અસામાજિક તત્ત્વોને જાણે પોલીસનો કે કાયદાનો ડર રહ્યો ન હોય તેવું લાગી રહ્યું છે.આ કહેવાનું કારણ એવું છે કે, રાજ્યમાં ક્રાઈમની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.અવાર-નવાર ચોરી,લૂંટ,મારામારી અને હત્યા જેવી ઘટનાઓ સામે આવી રહી છે.ત્યારે આ પ્રકારની વધુ એક ઘટના સુરતના બારડોલીમાં સામે આવી છે. બારડોલીમાં ઘોળા દિવસે ત્રણ ઇસમો દ્વારા જાહેર રસ્તા પર એક યુવકને ગોળી મારીને ઈજાગ્રસ્ત કરવામાં આવ્યો હતો.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા યુવકને 108ના માધ્યમથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.ઘટનાની જાણ યુવકના પરિવારના સભ્યોને થતા તેઓ પણ હોસ્પિટલ પર પહોંચ્યા હતા. તો બીજી તરફ આ ઘટનાને લઇને પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે.આ ઘટનામાં ઈજાગ્રસ્ત થનાર યુવકનું નામ નીખીલ પ્રજાપતિ હોવાનું સામે આવ્યું છે.
રિપોર્ટ અનુસાર સુરત જિલ્લાના બારડોલીમાં નીખીલ પ્રજાપતિ નામનો યુવક હનુમાન ટેકરી વિસ્તારમાં તેના પરિવારની સાથે રહે છે.નીખીલ બારડોલીમાં એક ફેબ્રિકેશનનું કારખાનું ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.નીખીલ સવારના સમયે રસ્તા પર જતો તે સમયે એક બાઈકમાં ત્રણ ઇસમો આવ્યા હતા અને તેમાંથી એક ઇસમે નીખીલની છાતીના ભાગે ગોળી મારીને તેની હત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો.નીખીલને છાતીના ભાગે ગોળી લાગતા તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.હત્યાનો પ્રયાસ કરનારાઓ નીખીલને ગોળી મારીને ઘટના સ્થળ પરથી ફરાર થઇ ગયા હતા.આ ઘટનામાં નીખીલને છાતીના જમણા ભાગના ગોળી વાગી હતી.
આ ઘટના બાદ સ્થાનિક લોકો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.તે સમયે નીખીલ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં રસ્ત પર ઉધો પડ્યો હતો.તેથી સ્થાનિક દુકાનદારો નીખીલની મદદ માટે દોડી આવ્યા હતા.દુકાનદારોએ 108ની મદદથી ઈજાગ્રસ્ત થયેલા નીખીલને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યો હતો અને સમગ્ર ઘટનાની જાણ નીખીલના પરિવારના સભ્યોને કરી હતી.ગોળી વાગી હોવાનું સાંભળીને નીખીલાના પરિવારના સભ્યોના પગ તળેથી જમીન ખસી ગઈ હતી અને તેઓ તાત્કાલિક હોસ્પિટલમાં પહોંચ્યા હતા.
નીખીલની સારવાર સરદાર સ્મારક હોસ્પિટલમાં ચાલી રહી રહી છે. મહત્ત્વની વાત છે કે, ભોગ બનનાર નીખીલ પ્રજાપતિની પત્ની ગર્ભવતી છે અને તેને આઠ મહિનાનો ગર્ભ છે.આ ઘટનાને લઇને સ્થાનિક પોલીસ દ્વારા પણ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.નીખીલ પ્રજાપતિ પર ત્રણ ઇસમોએ શા માટે ફાયરીંગ કર્યું હતું તે જાણવા મળ્યું નથી.


