બારડોલી વિધાનસભાની બેઠક પર ભાજપે ફરી એક વખત ભગવો લહેરાવ્યો છે.ઈશ્વર પરમાર સતત ત્રીજી ટર્મ માટે ઐતિહાસિક લીડ સાથે વિજયી થતાં સમર્થકોના ટોળેટોળાં સુરત ગાંધી એન્જીનિયરીંગ કોલેજ ખાતે પહોંચી ગયા હતા અને તેમના વિજયને વધાવી લઈ વિજય યાત્રા કાઢવામાં આવી હતી.
બારડોલી : બારડોલી વિધાનસભા બેઠક પર યોજાયેલી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઈશ્વર પરમારની ત્રીજી વખત ઐતિહાસિક લીડ સાથે જીત મેળવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.બારડોલી બેઠક 1962થી 1972સુધી સતત ત્રણ ટર્મ સુધી વિજેતા થનાર કોંગ્રેસના ધારાસભ્ય ભૂલાભાઈ પટેલ ભૂલાભાઈ પટેલના રેકોર્ડની બરોબરી કરી હતી.તેમણે આ જીત બદલ બારડોલી વિધાનસભામાં મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો.
અનેક અટકળો વચ્ચે આજે ગુજરાત વિધાન સભાના પરિણામો જાહેર થતાં સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.ગુજરાતની સાથે સાથે બારડોલી વિધાન સભામાં પણ ફરી એક વખત કમળ ખીલ્યું છે.ભાજપના ઈશ્વરભાઈ પરમારને 89 હજાર 948 મતોથી વિજય મેળવ્યો હતો.બારડોલી બેઠક પર ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટીએ કોંગ્રેસની તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું હતું.આપમાંથી રાજેન્દ્ર પ્રસાદ સોલંકી અને કોંગ્રેસમાંથી પન્નાબેન પટેલ,બસપામાંથી સુશિલાબેન વાઘ અને અપક્ષ તરીકે દિનેશ રાઠોડે ઉમેદવારી કરી હતી.
મુખ્ય ત્રણ પાર્ટીઓ પૈકી આપ અને કોંગ્રેસને મળેલા મતો કરતાં પણ ઈશ્વરભાઈ પરમારને વધુ લીડ મળી હતી.ભાજપાના ઈશ્વરભાઈએન 1 લાખ 18 હજાર 527 મત મળી હતા.જેની સામે કોંગ્રેસના પન્નાબેન 28579 અને રાજેન્દ્ર પ્રસાદ સોલંકીને 24710 મતો મળ્યા હતા.આ બંનેને મળેલા કુલ મતો કરતાં પણ ભાજપની લીડ વધુ રહી હતી.આમ, અહી કોંગ્રેસ કે આપ મતદારોને રીઝવવામાં બિલકુલ નિષ્ફળ જોવા મળી હતી.
ઈશ્વર પરમારની જીતના સમર્થનમાં તેના સમર્થકોએ સુરતથી વિજય સરઘસનો પ્રારંભ કર્યો હતો.આ વિજય સરઘસ કુંભારિયાથી કડોદરા,પલસાણા થઈ બારડોલી ખાતે આવેલ જિલ્લાની મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચશે.ત્યાંથી બારડોલી નગર બાદ બાબેન ખાતે સરઘસ સંપન્ન થશે.તેમની વિજય રેલીમાં મોટી સંખ્યામાં મોટી સંખ્યામાં સમર્થકો જોડાયા હતા અને એક બીજાને મીઠાઇ વહેંચી વિજયોત્સવ મનાવ્યો હતો.


