બારડોલી,
સુરત જિલ્લાના બારડોલીમાં સોનોગ્રાફી કરતાં ડોક્ટરે લોકડાઉનનો લાભ ઉઠાવી વધુ ફી વસુલતા એક યુવકે પોલીસમાં ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે.યુવક પોતાની ગર્ભવતી પત્નીની સોનોગ્રાફી કરાવવા માટે ગયો હતો. ત્યારે ડોક્ટરે દર વખત કરતાં ફી વધી ગઈ હોવાનું કહેતા લોક ડાઉનના સમયમાં ફી વધારો યોગ્ય નથી એવું સમજાવવા ગયેલ યુવકને તેની ગર્ભવતી પત્ની સાથે ડોક્ટરે થાય તે કરી લો એમ કહી કાઢી મૂક્યો હતો.
આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર પલસાણા તાલુકાનાં પૂણી ગામે રહેતા રવિભાઈ સુરેશભાઈ નગરાળેની પત્ની કાજલબેન ગર્ભવતી હોય તેઓ બારડોલીની ગાંધી હોસ્પિટલમાં તપાસ કરાવવા માટે આવ્યા હતા. જ્યાંથી ડોક્ટરે તેમને સ્ટેશન રોડ પર સરદાર બાગ વિસ્તારમાં આવેલ પારસ ડાયગ્નોસિટ્ક સેન્ટરમાં સોનોગ્રાફી કરાવવા માટે મોકલ્યા હતા.જ્યાં રવિએ રિસેપ્સનિસ્ટને ફાઇલ આપતા તેણીએ 1500 રૂપિયા માંગ્યા હતા.દર વખતે માત્ર 1000 રૂપિયા લેતા હોય રવિએ લોકડાઉનના સમયમાં પૈસા કેમ વધારી દીધા તેમ કહેતા રિસેપ્સનિસ્ટે આ અંગે ડોક્ટરને વાત કરતાં ડોક્ટરે રવિને થાય તે કરી લો,મને બધા ઓળખે છે એમ કહી સોનોગ્રાફી કરવાની પણ ના પડી દીધી હતી.એટલુ જ નહીં ડોક્ટરે પોતાની ઓળખનો પરચો બતાવવા માટે રવિને મામલતદારનો ફોન નંબર પણ આપી લે ફરિયાદ કર એમ કહી ગર્ભવતી પત્ની કાજલ સાથે તેને ક્લિનિકની બહાર કાઢી મૂક્યા હતા. આ ડોક્ટરે લોકડાઉનમાં લોકોની મજબૂરીનો લાભ ઉઠાવી 500 રૂપિયા વધારી દેતાં ગરીબ પરિવારની મુશ્કેલી વધી ગઈ હતી.સમગ્ર ઘટના બાદ રવિએ બારડોલી પોલીસમાં લેખિત ફરિયાદ આપી હોવાનું જાણવા મળે છે.જો કે મોડી સાંજ સુધી બારડોલી પોલીસમાં ફરિયાદ નોંધાઈ ન હતી.ડોક્ટરે વધારેલી ફી અંગેની વાત સમગ્ર શહેરમાં વાયુવેગે પ્રસરતા પારસ ડાયગ્નોસ્તિકના પત્થર દિલ ડોક્ટર સામે લોકોએ ભારે ફિટકાર વરસાવ્યો હતો.આવા ડોક્ટર સામે કાર્યવાહી થાય તે જરૂરી હોવાનું પણ લોકમુખે ચર્ચાય રહ્યું છે.