– ‘શહેરી જનસુખાકારી દિવસે’ બારડોલી,તરસાડી,કડોદરા અને માંડવી નગરપાલિકાના રૂ.૩૩.૪૯ કરોડના વિકાસકામોનું ખાતમુહૂર્ત
બારડોલી : મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી નિમિતે વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના બારડોલી ખાતે ૮મી ઓગષ્ટ-‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો હતો.આ અવસરે મહાનુભાવોના હસ્તે બારડોલી નગરપાલિકાને રૂ.૧.૫૦ કરોડ,તરસાડી નગરપાલિકાને ૧.૧૨ કરોડ,કડોદરા નગરપાલિકાને રૂ.૧.૧૨ કરોડ તેમજ માંડવી નગરપાલિકાને રૂ.૫૦ લાખના મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ-ગાંધીનગરના અનુદાનના ચેકો એનાયત કરાયા હતા.
આ અવસરે બારડોલી નગરપાલિકા વિસ્તારમાં LCનં. ૨૫-અસ્તાન ફાટક પર રૂ.૩૦.૪૯ કરોડના ખર્ચે રેલ્વે ઓવરબ્રિજનું કામ, રૂ.૧૭ લાખના ખર્ચે પંડિત દિનદયાળ ઉપાધ્યાય માર્ગ વિનાયક પાર્કથી ડો. હેગડેવાર સર્કલ સુધી ડામર રોડ, રૂ.૫ લાખના ખર્ચે સત્યસાંઈ ચોકથી વિનાયક પાર્ક સુધી ડામર રોડ જ્યારે તરસાડી નગરપાલિકા વિસ્તારમાં રૂ.૧૩ લાખના ખર્ચે વોર્ડ નં. ૫ માં ગાર્ડન ડેવલપમેન્ટનું કામ,વોર્ડ નં ૫ માં રૂ.૧૪ લાખના ખર્ચે સ્વામિનારાયણ મંદિરથી ગોરધનભાઈનાં ઘર સુધી સી.સી. રોડ તથા બન્ને સાઈડ પેવરબ્લોકનું કામ તેમજ કડોદરા નગરપાલિકાના વિવિધ વિસ્તારમાં રૂ.૨.૫૧ લાખના ખર્ચે પેવર બ્લોક નાંખવાની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું હતું.
બારડોલી ટાઉનહોલ ખાતે આયોજિત સમારોહમાં વિધાનસભા અધ્યક્ષે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની સરકારના પાંચ વર્ષના સ્થિર અને સક્ષમ સુશાસનમાં ગુજરાતના શહેરો સ્માર્ટ અને સસ્ટેનેબલ,આધુનિક,પ્રદૂષણરહિત અને તમામ પ્રાથમિક સુવિધાઓથી સભર બન્યાં છે.પર્યાવરણને અનુકૂળ અને અઢળક લોકભોગ્ય વિકાસકામોથી જનસુવિધામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે.
પવિત્ર નવરાત્રિ પર્વની જેમ રાજ્ય સરકારે નવ દિવસના સુશાસન પર્વમાં વિકાસનું અનુષ્ઠાન કર્યું છે એમ ગર્વથી જણાવતાં તેમણે સરકારે આદરેલા નવ દિવસના સેવાયજ્ઞમાં કરોડોના વિકાસકામોની વણઝારની વિસ્તૃત વિગતો વર્ણવી હતી.તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં જયારે પણ આઝાદીના ઈતિહાસની વાત થાય છે ત્યારે બારડોલીનું અચૂકપણે માનભેર નામ લેવાય છે.બારડોલી તાલુકો એન.આર.આઈ.થી ઓળખાતો પ્રદેશ છે,ત્યારે વિદેશમાં વસતા આ વિસ્તારના એન.આર.આઈ. નાગરિકો વતનપ્રેમ યોજનામાં સહભાગી થઈને વતનનું ઋણ ચૂકવે એવો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત સૌએ અમદાવાદથી રાજ્ય કક્ષાના ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ,નગરપાલિકા પ્રમુખ ફાલ્ગુનીબેન દેસાઈ,પ્રાંત અધિકારી વિજય રબારી, જિલ્લા સંગઠન પ્રમુખ સંદિપ દેસાઈ તેમજ નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


