બારડોલી : બારડોલી નગર ભાજપ કાર્યાલય ખાતે આવનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ ટિકિટઇચ્છુક ઉમેદવારોને સંભાળવામાં આવ્યા હતા. બુધવારના રોજ છેલ્લા દિવસે કુલ 219 ઉમેદવારોએ ચૂંટણી લડવા માટે પોતાની ઈચ્છા પાર્ટીના નિરીક્ષકો સમક્ષ રજૂ કરી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીનો ધમધમાટ શરૂ થઈ ચૂક્યો છે. ત્યારે બારડોલી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકશાહીની પ્રણાલી મુજબ ચુંટણી લડવા માંગતા ઇચ્છુક દાવેદારોને સાંભળવાની પ્રક્રિયાના શરૂ કરવામાં આવી હતી.જેના ભાગરૂપે બુધવારના રોજ બારડોલી નગર ભાજપા કાર્યાલય ખાતે પાર્ટી દ્વારા નિરિક્ષક તરીકે નિમણૂંક કરવામાં આવી હતી.જેમાં સુરત જીલ્લા ભાજપા સંગઠન મહામંત્રી યોગેશ પટેલ,જીલ્લા ભાજપા સંગઠનનાં ઉપપ્રમુખ તુષાર પટેલ તેમજ મહિલા નિરિક્ષક તૃપ્તિ બેન પટેલ દ્વારા બારડોલી નગરનાં નવ વોર્ડની 36 બેઠકો માટે અંદાજીત ૨૧૯ ઇચ્છુક દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા.ટિકિટ વાંચ્છુકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.સૌથી વધુ દાવેદારી વોર્ડ નંબર 4માં થઈ હતી.વોર્ડ નંબર 4માંથી કુલ 40 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.બીજી તરફ વોર્ડ નંબર 6માં માત્ર 8 દાવેદારોએ દાવેદારી કરી હતી.આ પ્રસંગે બારડોલી નગર ભાજપા સંગઠન પ્રમુખ રાકેશ ગાંધી મહામંત્રી અનંત જૈન જગદીશ પટેલ તેમજ નગર ભાજપા સંગઠનનાં સૌ પદાધિકારીઓ હાજર રહ્યા હતા.