બારડોલી : બારડોલી નગરપાલિકા દ્વારા ઇ ટેન્ડરિંગ કર્યા વગર જ અંદાજિત 20 લાખ રૂપિયાથી વધુની દવા ખરીદી કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોવાના આરોપ સાથે ખુદ આરોગ્ય સમિતિના ચેરમેન ભૂપતસિંહ ચાવડાએ પાલિકા ચીફ ઓફિસરને ફરિયાદ કરતાં બારડોલી નગરપાલિકામાં ખળભળાટ વ્યાપી ગયો છે.
બારડોલી નગરપાલિકામાં વર્તમાન શાસકો શાસન પર આવ્યા ત્યારથી જ બે જૂથોમાં ભારે વિખવાદ જોવા મળી રહ્યો છે.આ વિખવાદ વધુને વધુ વકરી રહ્યો છે.બંને જૂથો એક બીજાને નીચા પાડવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા હોય શહેરના વિકાસના કામો થંભી ગયા છે.ખુદ શાસક પક્ષના જ નારાજ હોદ્દેદારો અને સભ્યો પાલિકાની પોલ ખોલવાની શરૂઆત કરી છે.આરોગ્ય સમિતિના ચેરમેન ભૂપતસિંહ ચાવડાએ તેમના જ વિભાગની પોલ ખોલતી એક ફરિયાદ ચીફ ઓફિસરને કરતાં હડકંપ મચી ગયો છે.ભૂપતસિંહે બુધવારના રોજ ચીફઓફિસરને કરેલી ફરિયાદમાં જણાવાયું છે કે,બારડોલી નગરપાલિકા દ્વારા કોઈ પણ પ્રકારના ઇ-ટેન્ડરિંગ કર્યા વગર આરોગ્ય સમિતિના અધ્યક્ષની જાણ બહાર અંદાજિત 20 લાખથી વધુની રકમની જંતુનાશક દવાની ખરીદી કરવામાં આવી છે.આ ખરીદીમાં પોતા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ ભૂપતસિંહે પાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ પર લગાવ્યો છે.તેમણે સમગ્ર પ્રકરણ મુદ્દે જવાબદારો સામે ખાતાકીય તપાસ કરી દોષીઑ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.
કોમલબેન ઘીનૈયાએ સેનેટરી ઈન્સ્પેકટર રાજેશ ભટ્ટ પાસે સમગ્ર મામલે ખુલાસો માંગ્યો
ભૂપતસિંહ ચાવડાએ આપેલી ફરિયાદના અનુસંધાને બારડોલી નગરપાલિકા ચીફ ઓફિસર કોમલબેન ઘીનૈયાએ સેનેટરી ઈન્સ્પેકટર રાજેશ ભટ્ટ પાસે સમગ્ર મામલે ખુલાસો માંગ્યો છે.જંતુનાશક દવાની ખરીદી કરતાં પહેલા ઇ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું કે કેમ તથા જે ખરીદી કરતાં પહેલા આરોગ્ય સમિતિના ચેરમેનને જાણ કરવામાં આવી હતી કે કેમ તે અંગે ત્રણ દિવસમાં લેખિતમાં ખુલાસો કરવાનું જણાવતા સમગ્ર બારડોલી નગરપાલિકામાં ખળભળાટ વ્યાપી ગયો છે.
ટેન્ડર પ્રક્રિયામાં પાલિકા પ્રમુખ અને આરોગ્ય સમિતિના ચેરમેને સહી કરી છે : રાજેશ ભટ્ટ
સેનેટરી ઈન્સ્પેકટર રાજેશ ભટ્ટે જણાવ્યુ હતું કે,15 લાખની દવા ખરીદી માટે જુલાઈ 2019માં સરકારી ધારા ધોરણ મુજબ ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.જેમાં પાલિકા પ્રમુખ,આરોગ્ય સમિતિના ચેરમેન અને સભ્યોની પણ સહી છે.કોઈ ગેરરીતિ થઈ નથી.
15 લાખની દવા ખરીદી અંગે મને કોઈ જાણ કરવામાં આવી નથી : ભૂપતસિંહ ચાવડા
આરોગ્ય સમિતિના ચેરમેન ભૂપતસિંહ ચાવડાએ જણાવ્યુ હતું કે 15 લાખની દવા ખરીદી અંગેની મને કોઈ જાણ કરવામાં આવી નથી કે મારી પાસે કોઈ સૂચન પણ માંગવામાં આવ્યા નથી.