– શાસન સાંભળતા પહેલા જ નગરસેવકો વિવાદમાં આવ્યા, જિલ્લા મોવડી મંડળ મૌન
બારડોલી : સુરત જિલ્લાની બારડોલી નગરપાલિકાની હાલમાં યોજાયેલી ચૂંટણીમાં શહેરની પ્રજાએ ફરી એકવાર ભાજપ પર વિશ્વાસ મૂકી 36માંથી 32 બેઠકો આપી ભાજપને ભવ્ય વિજય અપાવ્યો હતો.પરંતુ બિલાડીને આદું નહીં પચે તેમ વિજય બાદ ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે સત્તા માટે વિખવાદ શરૂ થઈ ગયો છે.તેને અનુલક્ષીને બારડોલીમાં હાલ વોર્ડ નંબર 1માં ચૂંટાયેલા નગરસેવક દક્ષેશ શેઠ તેમજ વોર્ડ નંબર 9ના નિમેશ શાહ (પપ્પુ) વિરુદ્ધ નનામી પત્રિકા સોશિયલ મીડિયા પર વાઇરલ થતાં વિવાદ વકર્યો છે.ત્યારે મૌની બાબા બનીને બેસતા જિલ્લા ભાજપના સંગઠનના હોદ્દેદારો શિષ્ટ બાબતે કેવી કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને લખવામાં આવેલી આ પત્રિકામાં બંને નગરસેવકો સામે અનેક આક્ષેપો કરવામાં આવ્યા છે.બંનેને નગરપાલિકામાં કોઈ પણ હોદ્દો નહીં મળે તે માટે તેમની કુંડળી ખોલી નાખવામાં આવી છે.બંનેની સામે ચૂંટણી પહેલાથી જ વિરોધનો સૂર ઉઠ્યો હોવા છતાં ભાજપ મોવડી મંડળ દ્વારા ટિકિટ ફાળવણી કરી દેવામાં આવી હતી અને હવે હોદ્દો મેળવવા માટે બંને તલપાપડ બન્યા હોય હોદ્દો નહીં મળે તે માટે કોઈ વ્યક્તિ દ્વારા પત્રિકા ફરતી કરવામાં આવી છે.પત્રિકામાં બંને વિરુદ્ધ ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે અને ખરાબમાં ખરાબ શબ્દો વાપરવામાં આવ્યા હતા.જો એમને હોદ્દો સોંપવામાં આવશે તો તેના વિરુદ્ધ ફરિયાદ અને આરટીઆઇ હેઠળ અરજીઓ શરૂ થશે અને ભાજના લીરે લીરા ઉડાડશે એવી પણ ચીમકી આપવામાં આવી છે.આ પત્રિકામાં તેમણે અન્ય કેટલાક નેતાઓના પણ નામ લઈ તેમની કરતૂતો લોકો સમક્ષ મૂકવાનો પ્રયાસ કર્યો છે.જ્યારે ભૂતકાળમાં પક્ષ માટે બલિદાન આપનાર નેતાઓના નામ લખી તેમના વખાણ કર્યા હતા.પત્રિકા લખનારે પોતાની ઓળખ છુપાવી લિખીતંગમાં “આર.આર.એસના સંગઠનથી દૂર પરંતુ આર.એસ.એસ.નો સૈનિક દેશના હિત માટે વચ્ચે રહેનાર એક પ્રબુદ્ધ નાગરિક” એવો ઉલ્લેખ કરી પોતે સંનિષ્ઠ કાર્યકર્તા હોવાની સાબિતી પણ પૂરી પાડી છે.
બંનેને લઈને ટિકિટ વહેંચણી સમયથી હતો વિવાદ
બારડોલી નગરપાલિકાની ચૂંટણીમાં ટિકિટ ફાળવણી મુદ્દે ભારતીય જનતા પાર્ટીમાં પહેલાથી જ વિખવાદ ઊભો થયો હતો.વોર્ડ નંબર 1માંથી વિજય શાહને ટિકિટ કન્ફર્મ હોવા છતાં છેલ્લી ઘડીએ દક્ષેશ શેઠને ટિકિટ આપવામાં આવી હતી.આથી તે સમયે ટિકિટને લઈને ભારે ઉહાપોહ થયો હતો.જિલ્લા ભાજપ મોવડી મંડળ પણ આ વિખવાદ ખાળવામાં નિષ્ફળ રહ્યું હતું અને એક સમાજે સંપૂર્ણ વિરોધ કર્યો હતો.જો કે ભાજપના સિમ્બોલ પર જીતી જતાં હવે દક્ષેશ શેઠ દ્વારા મહત્વના હોદ્દાની માગ કરવામાં આવતા ટિકિટ વહેંચણીથી શરૂ થયેલો વિખવાદ વધુ વકર્યો છે અને આ વિવાદ શાંત પાડવામાં જિલ્લા ભાજપ સદંતર નિષ્ફળ રહ્યું છે.
મોવડીમંડળને આ અંગે જાણ કરવામાં આવી છે
બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશ ગાંધીએ જણાવ્યુ હતું કે,આવી પત્રિકા સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે.કોણે વાઇરલ કરી છે તે જાણવું તો મુશ્કેલ છે પરંતુ આ અંગે જિલ્લા મોવડીમંડળ અને મંત્રી ઈશ્વર પરમારનું ધ્યાન દોરવામાં આવ્યું છે.


