બારડોલી :પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કર્યા બાદ કેટલીક સુગર ફેકટરી 1600ના ભાવે બગાસ વેચવા તૈયાર

HM News
2 Min Read

સભાસદોની જગ્યાએ વેપારીઓનું હિત જોતા સંચાલકોનો ખેડૂતોને આર્થિક નુક્સાનીમાં ધકેલવાનો પ્રયાસ

સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ખાંડ ઉદ્યોગ સહકારી મંડળીઓની પીલાણ સિઝન 2019-20ના છેલ્લા તબક્કામાં ચાલી રહી હોય ત્યારે સિઝનની શરૂઆતમાં દક્ષિણ ગુજરાતની શુગર ફેકટરીઓ દ્વારા પ્રતિ ટન બગાસનો ભાવ 2500 રૂપિયા નક્કી કરેલ તેની જગ્યાએ 1600 રૂપિયાના ભાવે કેટલાક શુગર સંચાલકો બગાસ વેચવા તૈયાર થઈ ગયા હોય સભાસદોને મોટું આર્થિક નુકસાન થવાની સંભાવના સેવાઇ રહી છે.
દક્ષિણ ગુજરાતની શુગર ફેકટરીઓ દ્વારા બગાસના વેચાણ માટે પ્રતિ ટન 2500 રૂપિયા નક્કી કરવામાં આવ્યા હતા. જે અનુસાર કામરેજ સુગર ફેકટરી દ્વારા 1 કરોડની ડિપોઝીટ વ્યાપારીઓ પાસેથી લઇ બગાસ 2575 રૂપિયાના ભાવે વેચવા માટે કરાર કરવામાં આવ્યો હતો. બીજી તરફ અન્ય એક સુગર મિલ દ્વારા મોડિફિકેશનના કામ માટે રૂ.7 કરોડની ડિપોઝીટ લઈ બગાસ આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. દરમ્યાન 21મી ડિસેમ્બર સુધી તમામ સુગર ફેકટરીઓએ 2500ના ભાવે જ બગાસનું વેચાણ કર્યું હતું. પરંતુ 22 મી ડિસેમ્બરના રોજ કોપર સુગર મિલ ખાતે મળેલી સામાન્ય સભામાં 2100 રૂપિયા પ્રતિ ટનના ભાવે બગાસ વેચાણ માટે કેટલીક સુગર ફેકટરીના પ્રમુખોએ તરફદારી કરી હતી. તો બીજી તરફ ગુજરાત ખાંડ ઉદ્યોગ દ્વારા પણ 2100ના ભાવે જ બગાસ વેપારીઓને વેચવાનું ફરમાન જારી કરવામાં આવ્યું હતું. સભાસદોને નુકસાન પહોંચાડી બગાસના ભાવમાં તોતિંગ ઘટાડો કરવા છતાં બગાસ ખરીદનાર વેપારીઓ હજી પણ 2100 રૂપિયાનો ભાવ પોષાતો ન હોવાનું જણાવી ખરીદી બંધ કરી દીધી છે વેપારીઓ 1600 રૂપિયા પ્રતિ ટન બગાસ ખરીદવા માટે સુગર સંચાલકો પર દબાણ ઉભું કરી રહ્યા છે. ત્યારે કેટલીક સુગર ફેકટરીઓના સંચાલકો વેપારીઓના દબાણમાં આવી 1600 રૂપિયાના ભાવે બગાસ વેચવા માટે તૈયાર પણ થઈ ગયા હોવાનું જાણવા મળે છે. આજે દેશમાં મોંઘવારી કૂદકે ને ફુસ્કે વધી રહી છે. ત્યારે ખરેખર બગાસનો ભાવ પ્રતિ ટન 2600 થી 2800 રૂપિયા હોવો જોઈએ એવું ખાંડ ઉદ્યોગ સાથે જોડાયેલા જાણકારો જણાવી રહ્યા છે. જો કે તેમ છતાં કેટલાક સંચાલકો સભાસદોને આર્થિક નુકસાન પહોંચાડી 1600ના ભાવે બગાસ આપી વેપારીઓના શરણે થઈ ગયા છે. સભાસદનું હિત જોવાની જગ્યાએ વેપારીઓનું હિત જોતા શુગર મિલ સંચાલકોને હવે ખેડૂતોએ ઓળખી લેવાનો સમય આવી ગયો છે

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *