– બારડોલી સુગર ફેક્ટરીની 66મી વાર્ષિક સાધારણ સભા સંપન્ન
બારડોલી : બારડોલી સુગર ફેક્ટરીની 66મી વાર્ષિક સાધારણ સભા બુધવારના રોજ કેદારેશ્વર મહાદેવ મંદિર હૉલ ખાતે ઉપપ્રમુખ ભાવેશ પટેલના અધ્યક્ષ સ્થાને મળી હતી.જેમાં એજન્ડાના કામોને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા હતા.નાદુરસ્ત તબિયતને કારણે ઉપસ્થિત નહીં રહેનાર સંસ્થાના પ્રમુખ રમણલાલ સુખાભાઈ પટેલે સભાસદોને શુભેચ્છા પાઠવી સભા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે સભાના પ્રમુખ ભાવેશભાઈ પટેલે જણાવ્યુ હતું કે, આપણાં દેશમાં ગત વર્ષની સિઝનની શરૂઆત 105 લાખ ટન ખાંડના જથ્થાથી થઈ હતી.પીલાણ સિઝન દરમ્યાન 309 લાખ ટન ખાંડનું ઉત્પાદન થયું હતું જેમાંથી ખાંડનો આંતરિક વપરાશ 256 લાખ ટન અને વર્ષ દરમ્યાન 70 લાખ ટનની નિકાસને બાદ કરતાં અંદાજિત 88 લાખ ટન જેટલા ખાંડના જથ્થા સાથે નવી પીલાણ સિઝનનો પ્રારંભ થશે.તેમણે અનુમાન લગાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ભલે ખાંડના ઉત્પાદનમાં ઘટાડો થયો હોય પરંતુ તેની સામે સ્થાનિક સ્તરે ખાંડનું ઉત્પાદન વધવાની આશા છે.તેમણે ખેડૂતોને વધુ રિકવરી આપતી શેરડીની જાતોના રોપણમાં વધારો કરવા,સેંદ્રિય ખાતરો તેમજ બાયોફર્ટિલાઇઝર્સનો ભરપૂર ઉપયોગ કરી જમીનને ફળદ્રુપ બનાવવા,આધુનિક ખેતી પદ્ધતિ અપનાવા વિનંતી કરી હતી.સંસ્થાએ વર્ષ 2020-21ની સિઝન દરમ્યાન 17 લાખ 34 હજાર 268 મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરી સરેરાશ 10.786% સાથે 18 લાખ 93 હજાર 100 ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન કર્યું હતું.જેમાં વેચાણ ન કરી શકાય એવી 3220 ક્વિન્ટલ ખાંડનો સમાવેશ થાય છે.
સભામાં સભાસદોએ સુગર ફેક્ટરી દ્વારા કો જનરેશન પ્રોજેકટ, ડિસ્ટલરી પ્રોજેકટ તેમજ મશીનરી મોડીફિકેશન અને ઇથેનોલ પ્લાન્ટના નિર્ણય અંગેની સંપૂર્ણ સત્તા વ્યવસ્થાપક સમિતિને સોંપી હતી.સભામાં ઉપસ્થિત સહકારી અગ્રણી ભીખુભાઈ પટેલે જણાવ્યુ હતું કે, બારડોલી સુગર ફેક્ટરીએ સહકારી ક્ષેત્રમાં નવરત્નમાંની એક છે તેનું સ્થાન જાળવી રાખવાની આપણી ફરજ છે.આપણી સુગર ફેક્ટરી બાય પ્રોડક્ટ ન હોવા છતાં સારા ભાવ આપતા વહીવટકર્તાઓનો તેમણે ધન્યવાદ અદા કર્યો હતો.સભામાં નવી રોપાણનીતિ નક્કી કરવા માટે પણ સભાસદોએ રજૂઆત કરી હતી.ખાંડ ઉદ્યોગ સંઘ આ મુદ્દે કઈ કરતું ન હોય વ્યવસ્થાપક સમિતિએ જ નિર્ણય કરવા કેટલાક સભાસદોએ સપ્ટેમ્બરની જગ્યાએ ઓક્ટોબરથી રોપાણ શરૂ કરવા માટે જણાવ્યુ હતું.સભા એકર દીઠ વધુ શેરડીનું ઉત્પાદન કર્યું હોય તેવા સભાસદોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.