તિરુઅનંતપુરમ : કેરળમાં એક સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા એક કેસમાં પોક્સોની જુદી જુદી કલમો હેઠળ એક અપરાધીને ૧૦૬ વર્ષની સજા ફટકારવામાં આવી છે.આ ઉપરાંત જુદા જુદા પાંચ અપરાધોમાં આ વ્યક્તિને કોર્ટે ૧૭ લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.આશ્ચર્યની વાત એ છે કે આ કેસમાં અપરાધી અન્ય કોઇ નહીં પણ પીડિત સગિરાનો પિતા જ છે. આરોપ છે કે પિતા પોતાની જ ૧૨ વર્ષથી નાની બાળકી પર ૨૦૧૫થી વારંવાર બળાત્કાર કરતો હતો, જેને પગલે આ બાળકી ગર્ભવતી પણ બની ગઇ હતી.
કેરળના નેયાત્તિનકારાની પોક્સો ફાસ્ટ ટ્રેક સ્પેશિયલ કોર્ટના જજ ઉદયકુમારે અપરાધી પિતાને અલગ અલગ અપરાધોમાં ૨૫-૨૫ વર્ષની કેદની સજા આપી હતી.એક વખત ૨૫ વર્ષની સજા પુરી થઇ ગયા બાદ પછીના અપરાધમાં બીજા ૨૫ વર્ષ જેલમાં કાઢવાના તેવી કોર્ટે સ્પષ્ટતા કરી હતી. કુલ મળીને ૧૦૬ વર્ષની સજા આ નરાધમ બાપને આપવામાં આવી છે.આ અંગેની વધુ વિગતો અનુસાર પિતા વારંવાર આ બાળકી પર રેપ કરતો હતો, જોકે ૨૦૧૭માં જ્યારે તે ગર્ભવતી બની ગઇ ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.શરૂઆતમાં આ બાળકીએ અપરાધી પિતા હોવાનું ન કહ્યું, જોકે બાદમાં તેનું કાઉન્સેલિંગ કરાયું ત્યારે સમગ્ર મામલો બહાર આવ્યો હતો.