મુંબઈ,તા.31.જુલાઈ.2022 રવિવાર : પાત્રા ચાલ કૌભાંડમાં ઈડી દ્વારા શિવસેના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત સામે કાર્યવાહી શરુ કરાઈ છે.આજે સવારે ઈડીની ટીમો સાંસદના ઘરે પહોંચી હતી.એવુ મનાય છે કે, રાઉતની ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવશે.જોકે સંજય રાઉત ઝુકવાના મૂડમાં નથી.તેમણે એક પછી એક ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, હું ઈડીથી ડરતો નથી.હું મરી જઈશ પણ સરેન્ડર નહીં કરું.
રાઉતે કહ્યુ હતુ કે, શિવસેનાની લડાઈ ચાલુ રહેશે.સાથે સાથે દાવો કર્યો હતો કે, મની લોન્ડરિંગના મામલામાં મને ખોટી રીતે ફસાવવામાં આવી રહ્યો છે.સાવ બોગસ કાર્યવાહી અને બોગસ પૂરાવા રજુ કરાઈ રહ્યા છે.મારે કોઈ કૌભાંડ સાથે લેવા દેવા નથી.હું શિવસેના પ્રમુખ બાલાસાહેબ ઠાકરેના સોગંદ ખાઈને આ વાત કહી રહ્યો છું.તેમણે અમને લડતા શીખવાડ્યુ છે.શિવસેન માટે હું લડવાનુ ચાલુ રાખીશ.
રાઉતે આ સબંધમાં શિવસેનાના મુખપત્ર સામનામાં એક લેખ પણ લખ્યો હતો અને કહ્યુ હતુ કે, મની લોન્ડરિંગનો કાયદો મુખ્યત્વે ડ્રગ્સ,હવાલા,સ્મગલિંગથી થતી આર્થિક લેવડ દેવડ અટકાવવા માટે છે પણ તેનો ડર હવે સાંસદો અને ધારાસભ્યોમાં વધારે છે.તેના કારણે મહારાષ્ટ્રમાં હિન્દુત્વની બદનામી થઈ રહી છે.
રાઉતે સાથે સાથે કહ્યુ હતુ કે, ભ્રષ્ટાચાર અને વધતી વસતી દેશની સૌથી મોટી સમસ્યા છે.રાજકારણીઓને ખબર હોય છે કે, સત્તા થોડા સમય માટે મળી છે એટલે નેતાઓ ઝડપતી પૈસા ખાવા લાગે છે તથા શાસક બદલાશે તેવી ભાવના સરકારી કર્મચારીઓમાં આવે છે ત્યારે તેઓ પણ ભ્રષ્ટાચાર કરવા માંડે છે.