ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફેબ્રુઆરીમાં મુલતવી રહેલી બિન સચિવાલય સેવા ક્લાર્ક અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ સંવર્ગ વર્ગ-૩ની લેખિત પરીક્ષા ૨૪ એપ્રિલે યોજાવાની છે તેમાં કોઇપણ પ્રકારની ગેરરીતિ ના થાય તે માટે મંડળ દ્વારા ભારે તૈયારી શરૂ કરાઇ છે.અસામાજિક અને લેભાગુ તત્વો દ્વારા નોકરી અપાવવાની ખોટી લાલચ અપાય કે પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરાય તો મંડળનું ધ્યાન દોરવું અને પોલીસમાં ફરિયાદ કરવા પણ મંડળ દ્વારા ઉમેદવારોને તાકીદ કરાઇ છે.બિન સચિવાલય કારકુનની પરીક્ષા ફેબ્રુઆરી-૨૦૨૨માં પરીક્ષામાં પેપર લીકની ગેરરીતિના કારણે મંડળના તત્કાલીન ચેરમેન અસિત વોરાના રાજીનામા બાદ રદ કરવામાં આવી હતી.ઓકટોબર ૨૦૧૮માં પ્રથમ વખત આ ભરતીની જાહેરાત કરાઇ હતી અને ૨૦૧૯માં શૈક્ષણિક લાયકાતના મુદ્દે આંદોલનના કારણે પણ મુલતવી રખાઇ હતી.છેલ્લી પરીક્ષામાં ૩૯૦૧ જગ્યા માટે ૧૦.૪૫ લાખ જેટલા ઉમેદવારો હતા.મંડળના નવા ચેરમેન એ.કે. રાકેશ દ્વારા અગાઉ નવી એસઓપી અને ચૂસ્ત વ્યવસ્થા હેઠળ ૨૪ એપ્રિલે પરીક્ષા લેવાશે તેવું જાહેર કર્યું હતું.મંડળ દ્વારા આગામી પરીક્ષા માટે ઉમેદવારોને પરીક્ષાને લગતી બાબત માટે મદદ મળી રહે તે માટે મંડળ દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઇન શરૂ કરાઇ છે.જેનો નંબર ૧૮૦૦ ૧૨૦ ૩૦૪૭ છે.જે ૨૪મી સુધી કાર્યરત રહેશે.
પરિક્ષામાં ઉમેદવારો પરીક્ષામાં કોઇપણ પ્રકારની ખોટી લાલચ આપતા હોય તેવા તત્ત્વો સામે સાવચેત રહે તે જરૂરી છે.મંડળ દ્વારા વધુમાં જણાવાયું છે કે પરીક્ષા કેન્દ્રમાં સીધી કે આડકતરી રીતે કોઇપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં.બંધ હાલતમાં પણ મોબાઇલ ફોન, સ્માર્ટ વોચ, બ્લ્યૂ ટૂથ જેવા ઉપકરણ કે સંદેશા વ્યવહારના કોઇપણ પ્રકારના સાધનો કે ઇલેક્ટ્રોનિક ગેઝેટ પરીક્ષામાં સાથે લઇ જવા પર ઉમેદવારો માટે પ્રવેશ પ્રતિબંધિત છે.