મુંબઈ, તા. 12 મે 2022, ગુરૂવાર : મહારાષ્ટ્રના મુંબ્રા પોલીસ સ્ટેશનના 3 અધિકારીઓ અને 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.તેમણે એક બિલ્ડર પાસે બ્લેક મની હોવાની બાતમીના આધાર પર તેના ઘરે દરોડા પાડ્યા હતા.આ દરોડા દરમિયાન તેમને 30 કરોડ રૂપિયાની રોકડ મળી હતી.આરોપ પ્રમાણે ત્રણેય પોલીસ અધિકારીઓએ કેસ દબાવવા માટે બિલ્ડર પાસેથી બળજબરીથી 6 કરોડ રૂપિયા લઈ લીધા હતા.
થાણે શહેર પોલીસના ટોચના અધિકારીઓને આ અંગેની ફરિયાદ કરવામાં આવી હતી અને ફરિયાદ બાદ આ કેસની તપાસ હાથ ધરવામાં આવી હતી.જાણવા મળ્યા મુજબ થાણે શહેર પોલીસે મુંબ્રા પરિમંડલના સહાયક કમિશનર વ્યંકટ આંધળે અને મુંબ્રા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અશોક કડલકની ડિપાર્ટમેન્ટલ તપાસનો આદેશ આપ્યો હતો.હાલ આરોપી પોલીસ કર્મચારી મેડીકલ લીવ પર જતા રહ્યા છે.તપાસ બાદ મુંબ્રા પોલીસ સ્ટેશનના ગીતારામ શેવાલે, હર્ષદ કાલે અને મદને સામે કાર્યવાહી કરવામાં આવી છે.ગીતારામ શેવાલે મુંબ્રા પોલીસ સ્ટેશનમાં ક્રાઈમ પોલીસ ઈન્સ્પેક્ટર છે.જ્યારે હર્ષદ કાલે પોલીસ ઈન્સ્પેક્ટર છે.તેમને ગત 12 એપ્રિલના રોજ એવી માહિતી મળી હતી કે, મુંબ્રામાં બિલ્ડર ફૈઝલ મેનનના ઘરે મોટા પાયે બ્લેક મની છે.
ત્યાર બાદ તેમણે મેનનના ઘરે દરોડો પાડીને 30 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા.ત્યાર બાદ જપ્ત કરવામાં આવેલી રકમ મુંબ્રા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી.આરોપ પ્રમાણે ત્યાર બાદ પોલીસ અધિકારીઓએ આ સમગ્ર કેસને દબાવવા માટે 6 કરોડ રૂપિયા લીધા હતા.બાદમાં ઈબ્રાહિમ શેખ નામના યુવકે પોલીસના ટોચના અધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી.ફરિયાદ બાદ થાણે શહેર પોલીસના ડેપ્યુટી કમિશનર અવિનાશ અંબુરેએ તપાસ કરી હતી.તપાસ બાદ મુંબ્રા પોલીસ સ્ટેશનના 3 અધિકારીઓ અને 7 કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.