મુંબઇ : યશ બેંક અને દિવાન હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન (ડીએચએફએલ) સંબંધિત કરોડોના ભ્રષ્ટાચારના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઇ)ના અધિકારીએ મુંબઇ અને પુણેમાં બિલ્ડર શાહિદ બાલવા, વિનોદ ગોએન્કા, અવિનાશ ભોસલેની આઠ જગ્યાએ છાપો માર્યો હતો.આ દરમિયાન ઘર અને ઓફિસમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું કહેવાય છે.સીબીઆઇએ વર્ષ ૨૦૨૦માં યશ બેંકના સંસ્થાપક રાણા કપૂર અને ડીએચએફએલના કપિલ વાધવાન સહિત અન્ય સામે કથિત ભ્રષ્ટાચારનો કેસ દાખલ કર્યો હતો.આ મામલામાં મુંબઇના અગ્રણી બિલ્ડર સંજય છાબરિયાની સીબીઆઇએ ધરપકડ કરી હતી.
રેડિયસ ગુ્રપના એમ.ડી. છાબરિયા ડીએચએફએલના સૌથી મોટા કર્જદાર છે.રેડિયસ ગુ્રપે ડીએચએફએલને લોન અને વ્યાજના અંદાજે ૩ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના બાકી હોવાનું કહેવાય છે.આ પ્રકરણે ગત ફેબુ્રઆરીમાં મુંબઇ અને પુણે સહિત ૧૫ સ્થળે છાપો માર્યો હતો.છાબરિયાની પૂછપરછ દરમિયાન બિલ્ડર અવિનાશ ભોસલેની સંડોવણીની જાણ થઇ હતી. આથી તેની સામે આજે સીબીઆઇએ કાર્યવાહી કરી હતી.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ થોડા મહિના પહેલાં ભોસલેની ૪૦ કરોડ રૂપિયાની સંપતી જપ્ત કરી હતી.બીજી તરફ અગાઉ ટુજી કૌભાંડમાં બિલ્ડર શાહિદ બલવાનું નામ સામે આવ્યું હતું.હવે સીબીઆઇએ ૨૦૨૦ના ભ્રષ્ટાચારના મામલામાં શાહિદ બલવા અને વિનોદ ગોએન્કાની ભૂમિકાની તપાસ હાથધરી છે.મહારાષ્ટ્રના રાજકીય નેતા સાથે અવિનાશ ભોસલેના નજીકના સંબંધ છે.આમ સીબીઆઇની કાર્યવાહીથી રાજ્યના રાજકારણમાં ફરી ચકચાર જાગી છે.


