પીટીઆઇ) ભાગલપુર, તા. ૪ : બિહારના ભાગલપુરમાં એક મકાનમાં થયેલા ભીષણ વિસ્ફોટમાં ઓછામાં ઓછા ૧૪ લોકોનાં મોત થયા છે અને અન્ય ૧૦ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તેમ સત્તાવાળાઓએ એક નિવેદનમાં જણાવ્યું છે.અધિકારીઓના જણાવ્યા અનુસાર આ મકાનમાં ગેરકાયદેસર રીતે ફટાકડા બનાવવામાં આવતા હતાં.
ભાગલપુર જિલ્લા મેજિસ્ટ્રેટ સુબ્રતકુમાર સેને એક નિવેદનમાં જણાવ્યું છે કે વહેલી સવારે ભાગલપુરના કાજબાલીચક વિસ્તારના મહેન્દ્ર મંડલ નામની વ્યકિતના મકાનમાં વિસ્ફોટ થયો હતો.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્ફોટને કારણે બાજુમાં આવેલા બે ઇમારતો પણ ધરાશયી થઇ કાટમાળમાં ફેરવાઇ ગઇ હતી.કાટમાળને દૂર કરવા માટે વિવિધ પ્રકારની મશીનરી કામે લગાડવામાં આવી છે. આ વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે ઘણા દૂર સુધી આ વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.
કાટમાળમાંથી અત્યાર સુધીમાં દસ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે તેમ સુબ્રતકુમાર સેને એક નિવેદનમાં જણાવ્યું છે.
સેને વધુમાં જણાવ્યું છે કે આ અગાઉ પણ મહેન્દ્ર મંડલ ગેરકાયદે ફટાકડા બનાવવામાં સંડોવાયેલો હતો અને ૨૦૦૮માં પણ તેના મકાનમાં આવા જ પ્રકારનો વિસ્ફોટ થયો હતો જેમાં તેની પત્ની સહિત ત્રણ લોકોનાં મોત થયા હતાં.
સૂત્રોના જણાવ્યા અનુસાર ભાગલપુરના આજના વિસ્ફોટને કારણે ભૂકંપના જેવા આંચકા અનુભવાયા હતાં અને લોકો ઉંઘમાંથી ઉઠીને ઘરની બહાર દોડવા લાગ્યા હતાં.આસપાસના એક ડઝન મોહલ્લાના ૧૦ હજાર લોકોએ વિસ્ફોટનો અવાજ સાંભળ્યો હતો અને લોકો ગભરાઇ ગયા હતાં.લગભગ એક લાખ લોકો ઉંઘમાંથી ઉઠી ગયા હતાં.