બરેલીના SDM જ્યોતિ મૌર્ય અને આલોક મૌર્યના લગ્નનો વિવાદ હવે કોર્ટમાં છે,પરંતુ સોશિયલ મીડિયાથી લઈ સામાન્ય લોકો વચ્ચે બંને વચ્ચેના સંબંધોને લઈને ઘણી ચર્ચા થઈ હતી.હવે આવો જ એક કિસ્સો બિહારમાંથી પણ સામે આવ્યો છે,જ્યાં સબ-ઇન્સ્પેક્ટર બન્યા પછી તરત જ પત્નીએ પતિ અને બાળકને છોડીને કોઈ અન્ય સાથે જીવન વિતાવવાનું નક્કી કરી લીધુ છે.
મામલો બિહારના મુઝફ્ફરપુરનો છે,પતિનું નામ પ્રિયરંજન અને પત્નીનું નામ જ્યોતિ છે.બંનેએ ભાગીને લગ્ન કર્યાં હતાં.બંને એક જ વિસ્તારમાં રહેતા,પ્રેમમાં પડ્યા અને ભાગી ગયા અને લગ્ન કરી લીધા. 2009માં લગ્ન કર્યા બાદ બંને જોબ કરવા લાગ્યા પરંતુ,જ્યોતિ આગળ ભણવા માંગતી હતી.આવી સ્થિતિમાં, પ્રિયરંજને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે તેનું કોચિંગ કરાવ્યું.જ્યોતિને કોચિંગ અપાવવા માટે પ્રિયરંજન પટના શિફ્ટ થઈ ગયા.જ્યાં જ્યોની મુલાકાત સોમેશ્વર નામના વ્યક્તિને સાથે થઈ.સોમેશ્વર અને જ્યોતિ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા લાગ્યા.સબ ઈન્સ્પેક્ટર બન્યા બાદ જ્યોતિ હવે તેના પતિ પ્રિયરંજનને છોડીને કોઈ અન્ય સાથે રહેવા માંગે છે.
મળતી માહિતી મુજબ, પ્રિયરંજને તેની પત્ની જ્યોતિને નોકરી અપાવવા માટે જમીન વેચી હતી.મિત્રો પાસેથી લોન લીધી અને 40 લાખ રૂપિયા ખર્ચ કર્યા.એટલું જ નહીં, પતિએ પત્નીના મિત્ર સોમેશ્વરને પૈસા આપીને તેના અભ્યાસમાં પણ મદદ કરી હતી,પરંતુ સબ-ઇન્સ્પેક્ટર બન્યા પછી જ્યોતિ તેના પતિને છોડીને તેના બેચમેટ એવા અન્ય સબ-ઇન્સ્પેક્ટર સાથે રહેવાની વાત કરી રહી છે.રિપોર્ટ્સ અનુસાર, પતિનો આરોપ છે કે હવે પત્ની જ્યોતિ તેને ખોટા કેસમાં ફસાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી રહી છે.જ્યારે પત્નીનું કહેવું છે કે, તેના પતિનો પરિવાર તેને હેરાન કરતો હતો,ઘણી સમસ્યાઓનો સામનો કર્યા બાદ તે ઈન્સ્પેક્ટર બની છે.તે હવે પ્રિયરંજન સાથે રહેવા માંગતી નથી.