નવી દિલ્હી,તા.6 એપ્રિલ 2022,બુધવાર : બિહારમાં સિવાન જિલ્લામાં એકે 47માંથી 150 રાઉન્ડ ફાયરિંગ કરવાના ચકચારી મામલામાં દિવંગત સાંસદ અને બાહુબલી શાહબુદ્દીનના પુત્ર ઓસામા સામે ગુનો નોંધાયો છે.આ ફાયરિંગ કરવાનો આરોપ ઓસામા પર લાગ્યો છે અને તેના સહિત આઠ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેમના પર હુમલો થયો હતો તે રઈસ ખાનુ કહેવુ છે કે, રાજકીય અદાવતમાં મારા પર હુમલો કરાયો હતો.
આ મામલામાં શાહબુદ્દીનના પુત્ર ઓસામાનુ નામ આવ્યા બાદ જિલ્લામાં વધારે તણાવ સર્જાયો છે.શાહબુદ્દીનની ફેન ક્લબના સભ્યોએ તો એવો આક્ષેપ કર્યો છે કે, એક બેસહારા(ઓસામા)પર ખોટો આરોપ લગાવીને જો રઈસ ખાન એમ માને કે હું રાજ કરીશ તો તેની ભુલ છે.સિવાનમાં શાહબુદ્દીન સિવાય કોઈ રાજ નહીં કરી શકે.
ઉલ્લેખનીય છે કે, અપક્ષ ઉમેદવારી કરનાર રઈસ ખાનના કાફલા પર સોમવારની મોડી રાતે કુલ 150 રાઉન્ડ ફાયરિંગ કરાયુ હતુ.કાફલાની આગળની ગાડીમાં રઈસ ખાન હાજર હતા અને ગાડીની ઝડપ વધારે હોવાથી આ ગાડી બચી ગઈ હતી અને્ પાછળની ગાડીમાં બેઠેલા ત્રણ લોકોને ગોળીઓ વાગી હતી.આ પૈકીના એકનુ મોત થયુ હતુ.રઈસ ખાનનો આરોપ હતો કે, મને જિલ્લા તંત્ર દ્વારા સુરક્ષા પૂરી પડાઈ નહોતી.જે રીતે ફાયરિંગ થયુ છે તે જોતા મારી હત્યાનુ કાવતરુ ઘડાયુ હતુ તેવુ દેખાય છે.


