– પોલીસે બદમાશો અંગે માહિતી આપનારાને 50,000 રૂપિયાનું ઈનામ અને તેમની ઓળખ ગુપ્ત રાખવાની ખાતરી આપી
પટના, તા. 15 સપ્ટેમ્બર 2022, ગુરૂવાર : બિહારના બેગુસરાઈ ખાતે મોટરસાઈકલ પર સવાર 2 બદમાશોએ શહેરના 30 કિમી વિસ્તારમાં આડેધડ ફાયરિંગ કરીને 11 લોકોને ભોગ બનાવ્યા હતા જેમાંથી એક વ્યક્તિનું મોત થયું છે.જ્યારે બાકીના ઘાયલોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.બિહાર પોલીસના કહેવા પ્રમાણે બદમાશો આ પ્રકારની ગતિવિધિ દ્વારા દહેશત ફેલાવવા ઈચ્છતા હતા પરંતુ સ્થાનિક પોલીસની પણ ચૂક કહેવાય માટે 7 પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બેગુસરાઈના SP યોગેન્દ્ર કુમારે આ ગુનામાં સામેલ બંને બાઈકસવારોની તસવીર જાહેર કરીને લોકોને તે અંગે કોઈ માહિતી હોય તો જણાવવા માટે અપીલ કરી છે.
પોલીસે નારંગી શર્ટમાં બાઈક પર સવાર શખ્સ અને તેની પાછળ બેઠેલા શકમંદ અંગેની સાચી માહિતી આપનારાને 50,000 રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી છે.સાથે જ આ પ્રકારે માહિતી આપનારા વ્યક્તિની ઓળખ ગુપ્ત રાખવામાં આવશે તેની ખાતરી આપી છે.પોલીસે 9431822953 કે 9431800011 નંબર પર કોલ અથવા તો એસએમએસ, વ્હોટ્સએપ મેસેજ કરીને માહિતી આપવા જણાવ્યું છે.આ કેસની તપાસ માટે 4 ટીમ બનાવવામાં આવી છે અને દરેક એન્ગલથી તપાસ કરવામાં આવી રહી છે.પોલીસ દરેક સ્થળના સીસીટીવી ફુટેજ દ્વારા તસવીરો એકઠી કરીને આજુબાજુના જિલ્લામાં પણ પોલીસ તંત્રને સતર્ક કરી રહી છે.આ ઘટના ફુલવરિયા,બછવાડા,તેઘડા અને ચકિયા થાણા વિસ્તારમાં બની હતી અને તે વિસ્તારોની નાકાબંધી કરવાની સાથે બોર્ડર પણ સીલ કરી દેવાઈ છે.પોલીસે તાજેતરમાં જેલમાંથી છૂટેલા અને તેમની રડારમાં હોય તેવા લોકોના સ્થળે દરોડા પાડવાનું પણ શરૂ કર્યું છે અને 5 લોકોને કસ્ટડીમાં પૂરવામાં આવ્યા છે.સીસીટીવી ફુટેજ પરથી 2 મોટરસાઈકલ પર સવાર 4 લોકો વિશે તપાસ હાથ ધરવામાં આવી છે. એક બાદ એક એમ તમામ ઘાયલોને બેગુસરાઈની સિવિલ અને ખાનગી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આખા શહેરમાં અફરાતફરી મચી ગઈ હતી.ફુલવરિયા બછવાડા,તેઘડા અને ચકિયા થાણા વિસ્તારોમાં આ પ્રકારે ફાયરિંગની ઘટનાઓ બની હતી.ત્યાર બાદ પોલીસે સમગ્ર શહેરને સીલ કરી દીધું છે અને એસપીથી શરૂ કરીને આઈજી સુધીના અધિકારીઓ રસ્તા પર તૈનાત થઈ ગયા છે.તે સિવાય આજુબાજુના જિલ્લાઓને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને અનેક ઠેકાણે નાકાબંધી કરવામાં આવી છે.પોલીસે તાત્કાલિક અનેક ઠેકાણે દરોડા પણ પાડ્યા હતા પરંતુ બદમાશોને શોધવામાં કોઈ સફળતા નથી મળી.
ભાજપે આપ્યું બંધનું એલાન
કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, જ્યારે ગુનેગારો બેખોફ બની જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ બને છે.અપરાધીઓએ 30 કિમીના ક્ષેત્રમાં 10 લોકો પર ગોળીબાર કર્યો પણ પોલીસ તેમને પકડી ન શકી.આ ઘટનાના વિરોધમાં ભાજપ દ્વારા બેગુસરાઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે.બિહારના પૂર્વ નાયબ મુખ્યમંત્રી સુશીલ મોદીએ જણાવ્યું કે, બિહારના ઈતિહાસમાં આ પ્રકારની પ્રથમ ઘટના બની છે.બિહારમાં કાયદા-વ્યવસ્થા અંગે સવાલો થતા રહે છે પરંતુ મંગળવારની ઘટના સુશાસનના દાવાની પોલ ખોલે છે.ઘટનાના 15 કલાક વીતી જવા છતાં પોલીસના હાથ ખાલી જ છે.