। રાષ્ટ્રસંઘ ।
સંયુક્ત રાષ્ટ્રસંઘના મહાસચિવ એન્ટોનિયો ગુટરેસે ચેતવણી આપી છે કે બીજા વિશ્વ યુદ્ધ બાદ દુનિયા હાલમાં સૌથી પડકારરૂપ સંકટનો સામનો કરી રહ્યું છે. દુનિયાભરના દેશો કોરોના વાઇરસની મહામારીનો સામનો કરી રહ્યા છે.તેમણે એવી પણ ચિંતા વ્યક્ત કરી હતી કે તેનાથી દુનિયાભરમાં સંઘર્ષ પેદા થઇ શકે છે.સંયુક્ત રાષ્ટ્રના વડાએ મંગળવારે કોરોના વાઇરસના સામાજિક અને આર્થિક અસર અંગે એક રિપોર્ટ પ્રકાશિત કરતા કહ્યું કે, કોરોનાની મહામારીને કારણે દુનિયામાં અસ્થિરતા, અશાંતિ અને સંઘર્ષ વધશે. તેમણે સામાજિક અને આર્થિક તબાહી મચાવનારા કોરોના વાઇરસથી વૈશ્વિક સ્તરે વધુ શક્તિથી લડવા માટે આહ્વાન કર્યું હતું.તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે એ ત્યારે જ સંભવ થશે, જ્યારે તમામ લોકો એક થાય અને જો આપણે રાજકીય મુદ્દાઓને ભૂલી જઇ માનવજાત માટે કામ કરીએ.
વૈશ્વિક પેકેજની જાહેરાત આપણે કરી શક્યા નથી
કોરોના મહામારીથી દુનિયામાં ૪૪,૦૦૦થી વધુનાં મોત થયાં છે. બેરોજગારી, નાના ઉદ્યોગ ધંધા ખતમ થવાથી અને અસંગઠિત ક્ષેત્રની દયનીય સ્થિતિ અંગે પણ ગુટરેસે જણાવ્યું કે,કેટલાય વિકાસશીલ દેશોને બીમારી સામે લડવામાં મદદ માટે આપણે હજુ એક વૈશ્વિક પેકેજની પણ જાહેરાત કરી શક્યા નથી.
કોરોના મહામારીએ જીવનને જોખમમાં નાખ્યું
ગુટરેસ દ્વારા બહાર પડાયેલા રિપોર્ટમાં કહેવાયંુ છે કે, સંયુક્ત રાષ્ટ્રના ૭૫ વર્ષના ઇતિહાસમાં આજ સુધી આવી વૈશ્વિક સ્વાસ્થ્ય કટોકટી જોવા મળી નથી, જે લોકોને મોતના મુખમાં ધકેલી દે છે, તેમને સંક્રમિત કરે છે અને લોકોના જીવનને જોખમમાં નાખી રહી છે.આ એક સ્વાસ્થ્ય સંકટથી વધુ તો માનવીય સંકટ છે.કોરોના વાઇરસ સમાજોને તેમના મૂળ પર હુમલો કરી રહ્યો છે.
WHOના દિશાનિર્દેશનું પાલન નહીં કરતા કેટલાક દેશો
મહાસચિવ ગુટરેસે પત્રકારોને જણાવ્યું હતું કે,આપણે હજુ પણ એ લક્ષ્યથી ઘણા દૂર છીએ, જ્યાંથી દુનિયાભરમાં કોરોના વાઇરસ સામે અસરકારક રીતે લડી શકાય. તેમણે કહ્યું કે,કેટલાય દેશો એવા છે,જે વિશ્વ આરોગ્ય સંગઠનના દિશાનિર્દેશોનું પાલન કરતા નથી.
કેટલાંક વર્ષોની સૌથી મોટી મંદી ફેલાશે
આ સંકટ એટલા માટે પણ મોટું છે કે એ બીમારી દુનિયાભરમાં દરેક માટે જોખમી છે.તેની અર્થવ્યવસ્થા ઉપર એવી અસર પડશે કે જેથી છેલ્લા કેટલાંક વર્ષોની સૌથી મોટી મંદી ફેલાશે.આ બધું જોતાં એવું નિશ્ચિત લાગે કે આ બીજા વિશ્વ યુદ્ધ બાદનું સૌથી પડકારરૂપ સંકટ છે.
ઇવાન્કા ટ્રમ્પે મોદીના યોગાસનની વીડિયોને વખાણ્યા
કોરોના વાઇરસ લોકડાઉન દરમ્યાન લોકોને ફિટ રહેવા માટે પ્રોત્સાહિત કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર યોગાસનનો વીડિયો પોસ્ટ કર્યો હતો, જેને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઇવાન્કા ટ્રમ્પે શાનદાર ગણાવ્યો હતો.મોદીએ યોગ નિદ્રાનો વીડિયો શેર કરતાં ટ્વિટ કરી હતી કે જ્યારે પણ સમય મળે ત્યારે હું અઠવાડિયામાં એક બે વખત યોગ નિદ્રાનો અભ્યાસ અવશ્ય કરું છું. તેમણે કહ્યું કે, તેનાથી શરીર સ્વસ્થ રહે છે અને મન પ્રસન્ન રહે છે. સાથે જ તણાવ અને ચિંતા પણ દૂર થાય છે.ઇન્ટરનેટ પર તમને યોગ નિદ્રાના કેટલાય વીડિયો મળશે. અંગ્રેજી અને હિન્દીમાં એક એક વીડિયો શેર કરી રહ્યો છું.