(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૧૫ : ગયા વર્ષે કોરોનાની બીજી લહેર દરમિયાન નકલી રેમડેસિવિર ઇન્જેકશન વેચનારા ગુજરાત સ્થિત બે બિઝનેસમેનની ૧.૦૪ કરોડ રૃપિયાની સંપત્તિ એન્ટી મની લોન્ડરિંગ કાયદા હેઠળ ટાંચમાં લેવામાં આવી છે તેમ ઇડીએ એક નિવેદનમાં જણાવ્યું છે.
એજન્સીના જણાવ્યા અનુસાર કૌશલ મહેન્દ્રભાઇ વોરા અને પુનિત ગુણવંતલાલ શાહ સુરતમાં ફાર્મહાઉસમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવતા હતાં.તેઓ આ ઇન્જેકશન મધ્ય પ્રદેશ અને અન્ય રાજ્યોમાં વેચતા હતાં.
એજન્સીએ ૧.૦૪ કરોડ રૃપિયાની રોકડ અને ડિપોઝીટ ટાંચમાં લેવા માટે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ પ્રોવિઝનલ ઓર્ડર જારી કર્યો હતો.
ઇડીના જણાવ્યા અનુસાર નકલી રેમડેસિવિર ઇન્જેકશન બનાવવાના સમગ્ર કાવતરાના મુખ્ય માસ્ટરમાઇન્ડ વોરાની ૮૯.૨૦ લાખ રૃપિયાની રોકડ શાહની ૧૧.૫૦ લાખની રોકડ તથા ૩.૯૨ લાખની બેંક ડિપોેઝીટ ટાંચમાં લેવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે ઇડીની તપાસમાં જાણવા મળ્યું હતું કે મધ્ય પ્રદેશની એક હોસ્પિટલમાં અનેક દર્દીઓ પાસેથી ઉંચી રકમ વસૂલ કરી તેમને નકલી રેમડેસિવિર ઇન્જેકશન આપવામાં આવ્યા હતાં.
પ્રાથમિક અંદાજ મુજબ મધ્ય પ્રદેશ અને કેટલાક અન્ય રાજ્યોમાં હજારોની સંખ્યામાં નકલી રેમડેસિવિર ઇન્જેકશન વેચવામાં આવ્યા હતાં.
ઇડીએ ગુજરાતની મોરબી પોલીસ અને મધ્ય પ્રદેશની ઇન્દોર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી બે એફઆઇઆરના આધારે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ(પીએમએલએ) હેઠળ મની લોેન્ડરિંગનોે કેસ દાખલ કર્યો હતો.

