અમદાવાદ,તા 30 એપ્રિલ 2022,શનિવાર : ગુજરાતની મુલાકાતે આવેલા ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડાને આવકારવા માટે એરપોર્ટ પર શુક્રવારે સવારે કાર્યકરોની ભીડ એકત્ર થઈ હતી.જે ભીડમાં એક કાર્યકરના પર્સની ચોરી થયાની ઘટના બની હતી.એરપોર્ટ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.સરસપુરમાં રહેતો અને ભાગ્યોદય બેંકમાં ફરજ બજાવતો મેહુલ જોશી ભાજપ કાર્યકર તરીકે સક્રિય છે.પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા શુક્રવારે સવારે અમદાવાદ એરપોર્ટ પર આવવાના હોઈ મેહુલ તેઓને આવકારવા અન્ય મિત્રો સાથે ગયો હતો.સવારે 8 વાગ્યે મેહુલનું ધ્યાન ગયું કે તેના પર્સની ચોરી થઈ હતી.પર્સમાં રૂ.900ની રોકડ અને ફોટો આઈડી તેમજ અન્ય ડોક્યુમેન્ટ હતા.ચોરીના બનાવ અંગે મેહુલ જોશીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી.